સરકારી જમીન પર કબ્જો કરી 21 દુકાનોનું બાંધકામ કરી લીધુ હતું. જેશીંગપરા વિસ્તારના શિવાજી કોમ્પ્લેક્ષના નામે ગેરકાયદે ચણી લેવાયેલી 21 દુકાનના ધારકો સામે મામલતદારે ફરિયાદ નોંધાવતા અમરેલીમાં સનસનાટી મચી ગઈ છે. સરકારી જમીનની કિંમત અંદાજે 70 લાખથી વધુ છે. હાલ તમામ આરોપીઓને ઝડપી પાડવા પોલીસ દ્વારા કવાયત શરૂ કરાઈ છે.અમરેલીમાં 21 લોકો સામે લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ગુનો નોંધાયો છે. ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધાયો છે. એએસપી અભય સોની આ મામલે વધુ તપાસ ચલાવી રહ્યા છે અને આરોપીની ધરપકડ માટે તજવીજ થઈ રહી છે.
આ મામલાની સમગ્ર વિગત એવી છે કે, અમરેલીના રેવન્યુ સર્વે નંબર 1089/7 પૈકીની સરકારી પડતર જમીન જે શહેરના જેસીંગપરા, શિવાજી ચોક વિસ્તારમાં ગાવડકા રોડ અને વહોરા કબ્રસ્તાનની કમ્પાઉન્ડ વોલની વચ્ચે આવેલ છે. તે જમીન પર ગેરકાયદે બાંધકામ થયાની કલેકટરને માહિતી મળતા તેની તપાસ તા.25 ફેબ્રુઆરીના રોજ નાયબ કલેકટર અને સબ ડીવીઝનલ મેજીસ્ટ્રેટને સોંપવામાં આવી હતી.તપાસમાં જાણવા મળ્યું હતું કે, આ ૩9૦ ચો.મી સરકારી જમીન ટ્રાફીકમાં નડતરરૂપ કેબીનો દૂર કરી વૈકલ્પિક રીતે ફાળવવા અમરેલી નગરપાલીકા તરફથી રજૂઆત થતાં કલેકટર દ્વારા પાલિકાને જમીન ફાળવી આપવા દરખાસ્ત કરાઈ હતી. જોકે રાજ્ય સરકારના મહેસુલ વિભાગે આ દરખાસ્ત નામંજૂર કરી હતી. અને તે માહિતીનો પત્ર તા.10/2/2020ના રોજ કલેકટરને મળ્યો હતો ત્યારબાદ 2/7/2020ના રોજ મહેસુલ વિભાગના આ પત્ર અંગે કલેકટરે અમરેલી પાલિકાને જાણ કરી હતી. ઉપરાંત આ અંગે ગુજરાત હાઇકોર્ટમાં હાલના આરોપીઓએ પિટિશન દાખલ કરી હોય, તેમને પણ મહેસુલ વિભાગના નિર્ણય અંગે જાણ કરવામાં આવી હતી.
અમરેલી સિટી મામલતદાર કમલેશ મથુરાદાસ સંપટએ અમરેલી શહેર પોલીસ મથકે નોંધાવેલી ફરિયાદમાં અન્વયે તા.17/3/2021 ના રોજ ગુજરાત જમીન પચાવી પાડવા પ૨ (પ્રતિબંધ) અધિનિયમ- 2020 તળે જિલ્લા કક્ષાની બેઠકમાં કેસ નં 34/2021 સંબંધે ફરિયાદ દાખલ કરવા અમરેલી કલેકટર આયુષ ઓકએ હુકમ કર્યો હતો. ફરિયાદમાં વધુમાં જણાવ્યું છે કે, આરોપીઓ જાણતા હતા કે આ જગ્યા સરકારી છે. કોઈને ફાળવવામાં આવી નથી છતાં મળતી માહિતી મુજબ ફેબ્રુઆરી ૨૦૨૦માં ગેરકાયદે બિંબ કોલમ સાથેનું ૨૨ દુકાનોનું પાક્કું બાંધકામ એક સાથેકરવામાં આવ્યું છે. એટલે કે કોઈ અલગ અલગ અહીં પણ એક જ બાંધકામ કોન્ટ્રાક્ટર પાસે બાંધકામ કરાવ્યું હોય તેમ જણાય છે. આ સ્થળે થયેલું બાંધકામ 21 આરોપીઓએ એકસંપ થઇ, પૂર્વ આયોજિત પ્લાનીંગ કરી, સરકારી જમીન હડપ કરવાનો પૂર્વ આયોજીત કાવતરું ઘડીને, ગેરકાયદેસર કૃત્ય કર્યું છે.
આ બાંધકામ કરવા માટે ટાઉન પ્લાનીંગ એક્ટ નીચે કાયદેસર કોઈ પરવાનગી મેળવેલ નથી કે લાયસન્સ ધરાવતા એન્જીનીયર કે સુપરવાઈઝર રાખી, આટલું વિશાળ બાંધકામ કર્યું હોવાનું જણાતું નથી. આરોપીઓના તપાસ સમયે નિવેદન લેવાયા હતા ત્યારે જાણવા મળેલ કે તેમની પાસે બાંધકામ કે જમીન અંગેના કોઈ આધાર પુરાવા પણ નથી. જેથી આ સ્થળે કોઈ એક કોન્ટ્રાક્ટર દ્વારા ગેરકાયદેસર કોન્ટ્રાકટ રાખી બાંધકામ થયેલ છે કે કેમ ? તે બાબતે પણ તપાસનો વિષય બને છે. એટલું જ નહીં સ્થળ તપાસ કરતાં આરોપીઓ તરફથી 390.31 ચો.મી જમીન ઉપર ગેરકાયદેસર કબ્જો કરાયો હોવાનું પણ સામે આવ્યું છે. બાંધકામ સહિતની આ જમીનની કિંમત રૂ .70,32,780 થાય છે.ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધાયો છે. એએસપી અભય સોની આ મામલે વધુ તપાસ ચલાવી રહ્યા છે અને આરોપીની ધરપકડ કરવા તજવીજ થઈ રહી છે.