મોરબી,
મોરબી જિલ્લાના ૧૨ ગામના ખેડૂતોને વરસાદ ખેંચાતા હવે જો નર્મદા સિંચાઈ યોજનાનું પાણી ન મળે તો પાક વાવેતર નિષ્ફળ જાય તેવી ધગધગતી રજુઆત મોરબી જિલ્લા ત્રણ ધારાસભ્યોએ ખેડૂતોને સાથે રાખી જિલ્લા કલેક્ટરને રજૂઆત કરી હતી.
૨ દિવસમાં પાણી મળવાની ખાતરી નહિ મળે ત્યાં સુધી ધરણા ચાલુ રહેશે તેમ કહી કલેક્ટર કચેરીને પટાંગણમાં ત્રણેય ધારાસભ્યો અને ખેડૂતો ધરણા ઉપર બેસી ગયા છે.
નર્મદાની કેનાલમાં ચરાડવા ગામ નજીક આડસ મૂકી દેવામા આવી છે. ત્યારે ખેડૂતોને પાણી ન મળવાથી પાક નિષ્ફળ જવાની ભીતિ સેવાઇ રહી છે.
જેથી રોજ મોરબી, ટંકારા અને હળવદના ધારાસભ્યો બ્રિજેશભાઈ મેરજા, લલિતભાઈ કગથરા, પરસોતમભાઇ સાબરીયાની આગેવાનીમાં સમલી, ચરાડવા, કડીયાણા, દેવીપુર, વાંકડા, જિકીયારી, અંજીયાસર, નીચી માંડલ, ગોકુળિયા સહિતના ૧૨ ગામોના ખેડુતો આજે જિલ્લા કલેકટર કચેરીએ દોડી આવ્યા હતા.
જ્યાં કલેક્ટરને રજુઆત કરી હતી. ઉપરાંત મોરબી, ટંકારા અને હળવદના ત્રણેય ધારાસભ્યોની આગેવાનીમાં ૧૨ ગામના ખેડૂતોએ જિલ્લા કલેક્ટર કચેરી બહાર ધરણા શરૂ કરી દીધા છે. જ્યાં સુધી જિલ્લા કલેક્ટર ૨ દિવસમાં પાણી મળી જશે તેવી ખાતરી નહિ આપે ત્યાં સુધી તેઓ ધરણા ચાલુ રાખશે તેમ જણાવાયું છે.