Nadiad News: નડિયાદમાં છેલ્લા 24 કલાકમાં 18 ઇંચ પડેલા વરસાદના લીધે જનજીવન ‘પૂરગ્રસ્ત’ થઈ ગયું છે. ભારે વરસાદના લીધે શહેરના ગાજીપાર વિસ્તારના 50 કુટુંબોનું વરિયાળી માર્કેટમાં સ્થળાંતર કરાવવામાં આવ્યું છે.
ત્યારે અવિરત વરસાદને પગલે મુલેશ્વર તળાવ ઓવરફ્લો થતાં લોકોના ઘરોમાં પાણી ઘૂસ્યા છે.
ગઈકાલે રાતના 12 વાગ્યા બાદથી શરુ થયેલા વરસાદને કારણે નડિયાદમાં 18 ઈંચ વરસાદ વરસ્યો છે. ભારે વરસાદને કારણે હજુ પણ નીચાણવાળા વિસ્તારોમાં લોકોનું સ્થળાંતર થવાની શક્યતા છે. જિલ્લા વહીવટી તંત્રની સૂચના મુજબ તંત્રને એલર્ટ કરવામાં આવ્યું છે.
આણંદના બોરસદમા સતત ધોધમાર વરસાદને પગલે શહેરની 150 જેટલી દુકાનોમાં વરસાદી પાણી ઘુસી ગયા છે અને સાથે જ બસ સ્ટેન્ડ પાસેના સિલ્વર પોઈન્ટ સહિત સીટી પોઈન્ટમાં વરસાદી પાણી ફરી વળ્યા છે. ત્યારે ભોંયરાવાળી દુકાનોમાં પાણી ઘુસી જતા દુકાનદારોને મોટું આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. કારણ કે આજે શહેરમાં 10 ઈંચ જેટલો વરસાદ વરસ્યો છે.
આણંદના ખંભાતના ઉંદેલના સોનારિયા વિસ્તારમાંથી 120 જેટલા લોકોનું સ્થળાંતર કરાયુ અને 60થી વધુ પશુઓને પણ સલામત સ્થળે ખસેડવામાં આવ્યા. ઈન્ચાર્જ પ્રાંત અધિકારી મનીષભાઈ અને ઉંદેલના સરપંચ નવીનસિંહ સોલંકી દ્વારા લોકોને જહાંગીરપૂર પ્રાથમિક શાળા તેમજ અન્ય સલામત સ્થળોએ નાગરિકોને મોકલવામાં આવ્યા છે.
રાજ્યમાં અતિભારે વરસાદની સ્થિતિ વચ્ચે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નાગરિકોને ખાસ અપીલ કરી અને કહ્યું કે કોઈ નાગરિક નદી-નાળા કે રસ્તાઓ પર જ્યાં વરસાદી પાણી વધારે પ્રમાણમાં હોય અને ભયજનક રીતે વહી રહ્યું હોય તે જગ્યાઓ પર ન જવા માટે કહ્યું છે. સ્થાનિક તંત્ર દ્વારા આપવામાં આવતી ચેતવણી અને સૂચનાઓનું કડક રીતે પાલન કરવા માટે નાગરિકોને અપીલ કરી છે. ઉલ્લેખનીય છે કે હવામાન વિભાગે આગામી દિવસોમાં પણ રાજ્યમાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરી છે.
આ પણ વાંચો: ઓરંગા નદીના પાણી ઓસર્યા, પુલ-માર્ગો થયા જર્જરિત
આ પણ વાંચો: ડાંગમાં અનેક ગામો થયા સંપર્કવિહોણાં
આ પણ વાંચો: ગુજરાતમાં રહેશે આજે વરસાદી માહોલ, ક્યાં અપાયું છે એલર્ટ