અમદાવાદ,
સોફ્ટ ડ્રિન્ક શરીર માટે હાનિકારક છે એવું ભારતની કોર્ટોમાં સાબિત થયા પછી હવે અમેરિકાના કેટલાક સંશોધનકર્તાઓ પણ માનતા થયા છે કે સોફ્ટ ડ્રિન્ક વધુ પ્રમાણમાં પીવાને કારણે કિડનીને પણ જબરદસ્ત નુકસાન થઈ શકે છે.
માનવના શરીર માટે કિડની મહત્વનું અંગ છે. કિડનીની બિમારીને લઈને એક મહત્વનું સંશોધન આવ્યું છે. જે લોકો સોફ્ટ ડ્રિન્ક પીવાના શોખીનો છે, એમને ચેતવાની જરુરત છે. કેમ કે સોફ્ટ ડ્રીન્ક પીવાથી કિડની જેવી ગંભીર બિમારી થઈ શકે છે.
અમેરિકન સોસાયટી ઓફ નેફ્રોલોજીની ક્લિનકલ જર્નલમાં આ સંદર્ભે એક સંશોધિત લેખ પ્રકાશિત થયો છે. આ લેખમાં ખાંડ મિશ્રિત ઠંડા પીણા અર્થાત સોફ્ટ ડ્રિન્ક પીવાથી સ્વાસ્થ્ય પર થતી નકારાત્મક અસર તરફ ધ્યાન દોરવામાં આવ્યું છે.
આ અંગેનું સંશોધન અમેરિકાની જોન્સ હોપકિન્સ બ્લૂમબર્ગ સ્કૂલ ઓફ પબ્લિક હેલ્થ દ્વારા રાબેતા મુજબની કિડની પ્રક્રિયા ધરાવતા 3003 આફ્રિકન-અમેરિકન પુરુષો અને મહિલાઓ પર આ અભ્યાસ કરાયો હતો.
જોન્સ હોપકિન્સ બ્લૂમબર્ગ સ્કૂલ ઓફ પબ્લિક હેલ્થના સંશોધક કેસી રેબહોલ્ઝે જણાવ્યું છે કે, ફૂડ સપ્લાયમાં ઉપલબ્ધ વિવિધ પ્રકારના પીણાંની સ્વાસ્થ્ય પર અસરની વ્યાપક માહિતીનો અભાવ જણાય છે. આ સંશોધકોએ 2000-04થી શરુ કરીને 2009-13 સુધી ઠંડા પીણા પીવાની માહિતીનો ઉપયોગ આ સંશોધનમાં કર્યો હતો.
સોફ્ટ ડ્રિન્ક કેમ હાનિકારક
કૃત્રિમ ઠંડાં પીણાંમાં મુખ્યત્વે ફોસ્ફરિક એસિડ, કેફિન, ઝેરીલા કૃત્રિમ રંગો, કાર્બન ડાયોક્સાઇડ, એલ્યુમિનિયમ વગેરેનો ઉપયોગ કરવામાં આવે છે. ફોસ્ફરિક એસિડને લીધે પીણાંમાંની આમ્લતા વધે છે અને કાર્બન ડાયોક્સાઇડનું શોષણ વધુ પ્રમાણમાં કરવામાં આવે છે. ઠંડાં પીણાંમાંનો કાર્બન ડાયોક્સાઇડ કાર્બેનિક એસિડ સ્વરૂપે શોષાતાં હાડકાંમાંનું કેલ્શિયમ ઓછું થઇને મૂત્રદ્વારે શરીરની બહાર ફેંકાઇ જાય છે, જેને લીધે દાંત, કરોડરજ્જુ અને કમરનાં હાડકાં કમજોર પડવા લાગે છે.