અમદાવાદ,
બેક્ટેરીયલ ઈન્ફેક્શનની સારવાર માટે લેવામાં આવતી એન્ટિબાયોટિક દવાઓનો ઉપયોગ વ્યક્તિ માટે માનસિક ભ્રમની બિમારીનું નિમિત બની શકે છે. તાજેતરમાં કરવામાં આવેલ એક સંશોધનમાં જાણવા મળ્યું છે કે, એન્ટિબાયોટિક દવાના સેવનથી મગજની કામ કરવાની શક્તિને નુકશાન થાય છે. આ પરિસ્થિતિના કારણે મગજમાં ડિલીરીયમ નામની માનસિક બીમારી ઉભી થાય છે.
આ ડિલીરીયમ બીમારીના કારણે વ્યક્તિમાં અવ્યવસ્થા અને ચિંતા જેવા માનસિક વિકાર ઉત્પન્ન થાય છે. અમેરિકાના બોસ્ટન સ્થિત બ્રિઘમ એન્ડ વુમન હોસ્પિટલ દ્વારા આ સંશોધન કરાયુ છે. જેના સંશોધનકર્તા સમીક ભટ્ટાચાર્યે જણાવ્યુ હતું કે જે લોકો ડિલીરીયમની બીમારીથી પીડીત છે તેમને અનેક પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડે છે. આ સંશોધનમાં 12 પ્રકારની 54 એવી એન્ટિબાયોટિક દવાઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો જે સામાન્ય રીતે લોકો પોતાના દૈનિક જીવનમાં ઉપયોગમાં લેતા હોય છે. જેમાં સલ્ફોનામાઈન્ડ, સેફેપીમી, સિપ્રોફ્લોસ્કાસીન અને પેઈન્સીલીન જેવી એન્ટિબાયોટિક દવાનો સમાવેશ થાય છે.
સંશોધનકર્તાઓએ જણાવ્યું કે, આ અભ્યાસમાં સામેલ કરવામાં આવેલ 47 ટકા લોકોને માનસિક ભ્રમ, 14 ટકા લોકોને સિઝર્સ, 15 ટકા લોકોને માંસપેશી સંબંધિત સમસ્યા અને 5 ટકા લોકોને શારીરિગ ગતિવીધીઓ પરના નિયંત્રણને નુકશાન થયું હોવાનું જાણવા મળ્યું હતું. સંશોધનકર્તા સમીક ભટ્ટાચાર્યે જણાવ્યું હતું કે,સંશોધનમાં કુલ 70 ટકા લોકોને અસામાન્ય માનસિક સમસ્યાઓ જણાઈ આવી છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આ લક્ષણો વ્યક્તિમાં એન્ટિબાયોટિક દવાનું સેવન બંધ કર્યા બાદ પણ લાંબા સમય સુધી રહેવાની શક્યતા છે. આ સંશોધન ન્યુરોલોજી નામના સંશોધનમાં પ્રકાશિત કરાયું છે.