દેશમાં આજે પણ ઇવીએમના બદલે બેલેટ પેપરથી ચૂંટણી કરાવવાની તરફેણ ઘણા નેતાઓ કરી રહ્યા છે.તેલુગુ દેશમ પાર્ટીના વડા ચન્દ્રા બાબુ નાયડુએ પણ બેલેટ પેપરથી ચૂંટણી કરાવવાની વાત કરી છે.
આંઘ્ર પ્રદેશના મુખ્ય પ્રધાન અને તેલુગુ દેશમના વડા ચંદ્રા બાબુ નાયડૂએ ચૂંટણી પંચને કહ્યું હતું કે દેશમાં લોકશાહી અને ચૂંટણીની પ્રક્રિયાની પવિત્રતા જાળવી રાખવા તેમજ તેના જુસ્સાને ટકાવી રાખવા તરત જ બેલેટ પેપર પધ્ધતીથી ચૂંટણી કરવી જોઇએ.
લોકસભાની ચૂંટણીઓમાં ઇવીએમ ખોટકાઇ જવાના અહેવાલોને લઇને ટીડીપીના વડા ચંદ્રાબાબુ પંચના અધિકારીઓને મળ્યા હતા.
તેમણે પંચને લખેલા એક પત્રમાં કહ્યું હતું કે ‘ દેશમાં લોકશાહી અને ચૂંટણીની પ્રક્રિયાને જાળવી રાખવા અને તેની પવિત્રતાને ટકાવવા ચૂંટણી પંચે તાત્કાલિક ધોરણે ફરીથી બેલેટ પેપર પધ્ધતીથી ચૂંટણી કરાવવા માગ કરીએ છીએ.
તેમણે આગળ લખ્યું હતું કે હું એ વાત તમારા ધ્યાન પર લાવવા માગું છું કે ભારતના ચૂંટણી પંચ આંધ્ર પ્રદેશમાં ચૂંટણીની પ્રક્રિયા અને તેની પવિત્રતાને જાળવવામાં નિષ્ફળ રહ્યું હતું. પરિણામે એવી ગંભીર શંકાઓ ઊભી થઇ રહી છે કે આ મહાન સંસ્થાની બંધારણીય ફરજો તઠસ્તતા,વ્યવસાયી અને ઇમાનદારી તેમજ યોગ્ય રીતે બજાવી શકાતી નથી.
આજે મુખ્ય ચૂંટણી કમિશનર સુનિલ અરોરાને મળીને તેમણે એક આવેદન પત્ર આપ્યો હતો અને આક્ષેપ કર્યો હતો કે આંધ્રમાં ચૂંટણી દરમિયાન જ અનેક મશીનો ખોટકાઇ ગયા હતા તેમજ અપુરતી સુરક્ષા વ્યવસ્થાના કારણએ અનેક જગ્યાએ હિંસા ફાટી નીકળી હતી. ચૂંટણી પહેલાં અનેક અધિકારીઓની કરાયેલી બદલીઓ અંગે સવાલ કરતાં નાયડૂએ આક્ષેપ કર્યો હતો કે પંચ આંધ્રમાં તેની ફરજ બજાવવાથી ચૂકી ગયો જે લોકશાહી માટે જોખમ છે.
તેમણે આક્ષેપ કર્યો હતો કે પંચે રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી, શ્રીકાકુલમના જિલ્લા મેજીસ્ટ્રેટ અને કડપાના પોલીસ વડાને કોઇ પણ જાતના માન્ય કારણ વગર બદલી કરી નાંખ્યા હતા. તેમણે કડક શબ્દોમાં પંચને લખ્યું હતું કે ચૂંટણીના થોડા દિવસો પહેલા મુખ્ય સચિવની બદલી એ અત્યાચાર અને લોકશાહીના મૂલ્યોની વિરૃધ્ધ છે.