દિલ્હી,
આ વખતની લોકસભા ચૂંટણીમાં ગાંધીનગરથી ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ લડી રહ્યા છે. જો કે અમિત શાહ પહેલા આ સીટ પરથી ભાજપના પીઢ નેતા અડવાણી લડતાં આવ્યા છે, અડવાણીની અહીંની રાજકીય કારકિર્દીની વાત કરીએ તો તેઓ વર્ષ 1992થી છ વખત ગાંધીનગર સીટ પરથી ચૂંટાયા છે. જો કે આ વખતે તેમની ટિકિટ કપાઇ છે અને અમિત શાહ અહીંથી ચૂંટણીના મેદાનમાં ઉતરવાના છે.
જો કે લોકસભાની આ વખતની ચૂંટણીમાં પત્તુ કપાયા બાદ લાલકૃષ્ણ અડવાણીએ પ્રથમ વખત ભાજપના સ્થાપના દિવસ પર બ્લોગ લખ્યો છે. આ બ્લોગમાં અડવાણીએ તેના વિચારો વ્યક્ત કર્યા છે અને ગુરુવારે પોતાના બ્લોગ પર તેમણે ગાંધીનગરની જનતાનો આભાર માન્યો છે અને આગામી 6 એપ્રિલે ભાજપના સ્થાપના દિવસ નિમિત્તે ભાજપના કાર્યકર્તાઓને લોકતાંત્રિક પ્રક્રિયામાં શ્રદ્ધા રાખવા શીખામણ આપી છે.
અડવાણીએ બ્લોગ પર લખ્યું છે કે, ‘1991થી કુલ 6 વખત ગાંધીનગરના મતદારોએ મારામાં વિશ્વાસ મૂકીને મને લોકસભામાં મોકલ્યો છે એમના પ્રત્યે હું મારી કૃતજ્ઞતા વ્યક્ત કરું છું. તેમના પ્રેમ અને સમર્થનથી હું અભિભૂત છું.’
અડવાણીએ પોતાના બ્લોગમાં વધુમાં જણાવ્યું છે કે ભારતીય લોકતંત્ર વિવિધતા અને અભિવ્યક્તિની સ્વતંત્રતાનું સમ્માન કરે છે. જે અમારા વિચારોથી સહમત નથી થયા તેને ભાજપે ક્યારેય પોતાનો રાજનૈતિક દુશ્મન ગણ્યો નથી. તેમજ માત્ર વિરોધી તરીકેની નજરથી જોયો છે. આવી જ રીતે જ્યાંસુધી રાષ્ટ્રવાદનો સવાલ છે અમે ક્યારેય પણ એવા લોકોને એન્ટી નેશનલ નથી કહ્યાં જે અમારા રાજનીતિક વિચારોથી સહમત નથી રાખતા. પાર્ટીએ દરેક નાગરિકને પોતાના વિચારો રાખવાની આઝાદી આપી છે ભલે તે ખાનગી સ્તરે હોય કે રાજનીતિક મંચ પર.