કઠુઆ,
જમ્મુ કાશ્મીરમાં કલમ 370 અને 35 એ હટાવવાને લઇને પીડીપી અને કોંગ્રેસ દ્વારા બીજેપી પર થતા સતત પ્રહારોનો પીએ મોદીએ આજે કઠુઆમાં યોજાયેલી ચૂંટણી સભામાં જડબાતોડ જવાબ આપ્યો છે. મોદીએ આકરા પ્રહારો કરતા કહ્યું કે જમ્મુ-કાશ્મીરની ત્રણ-ત્રણ પેઢીઓને આ બે પરિવારોએ ખતમ કરી નાખી છે. તેમણે મતદારોને આ બન્ને પક્ષોને જમ્મુ-કાશ્મીરમાંથી ઉખાડી ફેંકવાની અપીલ કરી હતી. કોંગ્રેસ પર પ્રહાર કરતા બોલ્યા હતા કે તેઓ અલગતાવાદીઓ પ્રત્યે નરમ વલણ રાખે છે. કોંગ્રેસ કરતા બીજેપીને ત્રણ ગણી વધારે બેઠકો મળવા સાથે જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
મુફ્તી અને અબ્દુલ્લા પરિવાર પર નિશાન સાધ્યું હતું. પીડીપી અને નેશનલ કોન્ફરન્સને આડે હાથે લેતા બોલ્યા હતા કે આ મોદી છે, ના કોઇનાથી ડરે છે, ના ઝુકે છે અને ભ્રષ્ટ પણ નથી. પ્રાંતના સંતુલન અને વિકાસ માટે આ બન્ને પરિવારની વિદાય આવશ્યક છે. આ બન્ને પરિવાર તેના સંપૂર્ણ પરિવારને મેદાનમાં ઉતરીને મોદી સામે અપશબ્દો વાપરે તો પણ તેઓ આ દેશના ટૂકડા નહીં કરી શકે.
કોંગ્રેસને આડે હાથે લઇને ચાબખા કર્યા હતા કે તેઓ સત્તામાં આવશે તો સેનાના અધિકારી છીનવી લેશે અને તેઓ જમ્મુ કાશ્મીરમાંથી સેનાને હટાવવા માંગે છે. આ સેનાનું મનોબળ તોડવાનું ષડયંત્ર છે. પરંતુ તેઓની આ કૂટનીતિ વિરુદ્વ તેને પડકારવા માટે મોદી દીવાલની જેમ ખડેપગે ઉભા છે.
સર્જીકલ સ્ટ્રાઇક પર વિપક્ષ હચમચી જાય છે
એર સ્ટ્રાઇક વિશે પણ મોદીએ જનસભાને સંબોધિત કરતા કહ્યું હતું કે જ્યારે અમે સર્જીકલ કે એર સ્ટ્રાઇક પર વાત કરીએ છીએ ત્યારે સંપૂર્ણ દેશને સેના પર ગર્વ થાય છે પરંતુ વિપક્ષને બેચેની થાય છે. આવું શા માટે છે અને ચૂંટણીમાં તેના સમર્થન પર સવાલ ઉઠાવ્યા હતા.
કોંગ્રેસ માટે સેના માત્ર કમાણીનું સાધન
સેનાના મુદ્દે પણ મોદીએ કોંગ્રેસ પર આરોપ લગાવ્યા હતા. મોદીએ કહ્યું હતું કે કોંગ્રેસ માટે સેનાનો અર્થ માત્ર અને માત્ર કમાણી કરવાનું એક માધ્યમ છે. સંરક્ષણ સોદા વિશે જણાવ્યું હતું કે તેઓ સેનાનું મનોબળ તોડવાની કૂટનીતિ ધરાવે છે. પંરતુ અમારી સરકાર સેનાની તાકાતને રાષ્ટ્રીય સુરક્ષા તરીકે જુએ છે.