માધવસિંહ સોલંકીએ રાજકનીતિમાં “ખામ” થિયોરી તો આપી જ છે, પરંતુ વડોદરાથી વાપી સુધીનો ઔદ્યોગિક પટ્ટો તેમના સમયમાં શરૂ થયો હતો : કોંગ્રેસને તેમણે અપાવેલી ૧૪૯ બેઠકોનો વિક્રમ હજી સુધી કોઈ તોડી શક્યું નથી : સૌથી ઓછી બેઠકો પણ તેમનાં નેજા નીચે જ આવી તે પણ વિરલ ઘટનાનો ગુજરાતનો ઇતિહાસ ગવાહ છે.
ભાદરણમાંથી સાત વખત વિજયીની સિદ્ધી, કદી એકપણ ચૂંટણી હાર્યા નથી
ગુજરાતના રાજકારણમાં હમણા જૂના જોગીઓની વિદાયનો ક્રમ શરૂ થયો હોય, તેમ પૂર્વ મુખ્યમંત્રીઓની વિદાયના પ્રસંગો વધ્યા છે. હજી પૂર્વ મુખ્યમંત્રી અને ભાજપના ભીષ્મ પિતામહનું જેમને ઉપનામ મળેલું તે કેશુબાપાની ચિર વિદાયને લાંબો સમય થયો નથી ત્યાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી માધવસિંહ સોલંકી ૯૪ વર્ષની વયે ફાની દુનિયા છોડી ગયા છે. આમ ૨૦૨૦ના અંત ભાગમાં કેશુબાપાએ વિદાય લીધી તો ૨૦૨૧ના પ્રારંભ કાળમાં એટલે કે પહેલા માસમાં જ માધવસિંહ સોલંકીની ચીરવિદાય થઈ છે. ચરોતરમાં જન્મેલા આ મેઘાવી રાજપુરૂષની યાદીમાં જેમને મૂકી શકાય તેવા માધવસિંહ સોલંકીને ગુજરાત અનેક રીતે યાદ કરી શકે તેમ છે. માધવસિંહ સોલંકી ભાદરણ મત વિસ્તારમાંથી સાત વખત વિજયી બનવાની સિધ્ધી ધરાવે છે, તો તેઓ એકપણ ચૂંટણી હાર્યા નથી તે તેમનું જમા પાસુ કહી શકાય તેમ છે.
@વરિષ્ટ પત્રકાર અને કટાર લેખક, હિંમત ઠક્કરની કલમથી…
કોંગ્રેસે ૧૪૯ બેઠક જીતાડી રેકોર્ડ હજુ અંકબધ
ઈન્દિરા ગાંધીએ કોંગ્રેસનું સુકાન સંભાળ્યું, ત્યારે ગુજરાતમાં તેમણે મહત્વની ભૂમિકા ભજવવાનું શરૂ કર્યું હતું. ૧૯૭૭માં કટોકટી કાળના અંત પહેલા જ્યારે ટુંકા ગાળા માટે કોંગ્રેસની સરકાર રચાઈ, ત્યારે તેમણે મુખ્યમંત્રી પદ સંભાળ્યું હતું. ૧૯૭૭માં કેન્દ્રમાં કોંગ્રેસના પરાજય બાદ ગુજરાતમાં બાબુભાઈ જશભાઈ પટેલ ફરી મુખ્યમંત્રી બન્યા હતા. જો કે ૧૯૮૦ની લોકસભાની ચૂંટણીમાં દેશના વડાપ્રધાન તરીકે ઈન્દિરા ગાંધી ઈન્દિરા કોંગ્રેસની તોતીંગ બહુમતી સાથે સત્તારૂઢ થયા હતા. તેમની આગેવાની હેઠળ ૧૯૮૦ની ચૂંટણી લડાઈ ત્યારે કોંગ્રેસને સંપૂર્ણ બહુમતી સાથે સત્તા મળી હતી. ૧૯૮૪માં ઈન્દિરા ગાંધીની હત્યા બાદ રાજીવ ગાંધી વડાપ્રધાન બન્યા ત્યાર પછી ૧૯૮૫ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ ભારે બહુમતી સાથે સત્તાપર આવી હતી. તે વખતે કોંગ્રેસે ૧૪૯ બેઠક સાથે સત્તા મેળવી હતી તે વિક્રમ હજી સુધી કોઈ પક્ષ તોડી શક્યો નથી.
ખામ થિયરીથી રાજકીય સોગઠાની દિશા બદલી
પૂર્વ મુખ્યમંત્રી માધવસિંહ સોલંકી “ખામ” થીયરીના પ્રણેતા હતા. ક્ષત્રિય હરિજન (પછાત) આદિવાસી અને મુસ્લિમ મતો સાથે ખામ થીયરી બનાવી હતી અને કોંગ્રેસને ભવ્ય જીત અપાવી હતી. જાેકે ૧૯૮૫ના મધ્ય ભાગમાં જ તેમને અનામત વિરોધી આંદોલનના કારણે સત્તા છોડવી પડી હતી. જાે કે ૧૯૮૯ની ચૂંટણીમાં કેન્દ્રમાં જનતાદળના વીપીસિંહ વડાપ્રધાન બન્યા. તે વખતે ચૂંટણીમાં ગુજરાતમાં કોંગ્રેસના પરાજયની જવાબદારી સ્વીકારી અમરસિંહ ચૌધરીએ રાજીનામુ આપતા માધવસિંહ ટુંકાગાળા માટે ફરી મુખ્યમંત્રી બન્યા હતા. જો કે, ૧૯૯૦માં કોંગ્રેસના કારમા પરાજય બાદ તેમણે થોડો વખત આરામ કર્યા બાદ રાજ્યસભામાં ચૂંટાયા હતા અને ૧૯૯૧માં જ્યારે ફરી કોંગ્રેસ સત્તાપર આવી અને પી.વી. નરસિંહરાવ વડાપ્રધાન બન્યા, ત્યારે તેમની સરકારમાં વિદેશમંત્રી તરીકે મહત્વની જવાબદારી સંભાળી હતી. પરંતુ બોફોર્સ અંગે ચીઠ્ઠી પ્રકરણમાં તેમનું નામ ચમકતા તેમને વિદેશ મંત્રી પદ છોડવું પડ્યું હતું. ત્યારબાદ તેઓ લગભગ નિવૃત્ત જીવન ગાળતા હતા. તેમની રાજકીય કારકિર્દી સફળ જ હતી.
વિકાસની વાતો નહી આવો દુર્લભ વિકાસ કર્યો
ગુજરાતમાં ૧૯૮૦માં સત્તાપર આવ્યા ત્યારે વિકાસની માત્ર વાતો કરવાને બદલે વિકાસ પર ધ્યાન આપ્યું હતું. ખાસ કરીને વડોદરાથી વાપી સુધઈના વિસ્તારમાં જે ઔદ્યોગિક પટ્ટો તૈયાર થયો અથવા તો પેટ્રોકેમિકલ સહિતના અનેક ઉદ્યોગો સ્થપાયા તેનો યશ માધવસિંહભાઈ લઈ શકે તેમ છે. હકિકતમાં ગુજરાતના ઔદ્યોગિક વિકાસનો પાયો ૧૯૬૮માં હિતેન્દ્રભાઈ દેસાઈના મુખ્યમંત્રી પદ દરમિયાન અને જશવંત મહેતાના નાણા – ઉદ્યોગ પ્રધાન તરીકેના સમયગાળા દરમ્યાન નખાયો હતો કારણ કે જી.આઈ.ડી.સી. ગુજરાત ઔદ્યોગિક વસાહત તે વખતે પ્રથમવાર શરૂ થઈ હતી. તે જ માર્ગે ચાલીને માધવસિંહ સોલંકીએ વડોદરાથી વાપી સુધીના વિસ્તારને હબ બનાવી દીધું હતું. ઔદ્યોગિક વિકાસની સાથે ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં મધ્યાહન ભોજન યોજના તેમણે જ શરૂ કરાવી હતી જે થોડા ઘણા ફેરફારો સાથે આજે પણ ચાલુ છે. આવી તો ઘણી લોકપ્રિય યોજના તેમણે અમલી બનાવી હતી. તેનું લિસ્ટ ઘણું લાંબુ થાય તેમ છે.
મોરબી હોનારતમાં વડાપ્રધાન ઇન્દિરા ગાંધીને પણ કાદવમાં કિલોમિટર સુધી ચલાવ્યા – વિપક્ષના અગ્રણી તરીકેની કામગીરી
આ તો ગુજરાતના રાજકારણમાં તેમણે સત્તાધારી પક્ષની મોભી તરીકે ભજવેલી ભૂમિકાની વાત થઈ ૧૯૭૯માં મોરબી હોનારત થઈ અને તે વખતની બાબુભાઈ જશભાઈ પટેલની આગેવાની હેઠળની મોરચા સરકાર ધામા નાખીને રાહત કામો પર દેખરેખ રાખતી હતી ત્યારે તે વખતના કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રીમતી ઈન્દિરા ગાંધી મોરબીના પ્રવાસે આવ્યા ત્યારે તેઓ મોરબીમાં ૧ કિલો મિટરનો કાદવવાળો રસ્તો ખુંદીને તેમની સાથે ગયા હતા. આ તેમની વિપક્ષના અગ્રણી તરીકેની કામગીરી હતી. ગુજરાતના રાજકારણમાં અને તેમાંય ખાસ કરીને જાેરદાર કામગીરી હતી. નિવૃત્ત કાર્યકાળ દરમિયાન પણ કોંગ્રેસને સલાહ સુચના આપવાનું કામ કરતાં હતાં.
મૂળ વ્યાવસાયે હતા પત્રકાર
૧૯૨૭માં ચરોતરમાં જન્મેલા માધવસિંહ સોલંકીએ પોતાની કારકિર્દીનો પ્રારંભ તો પત્રકાર તરીકે કર્યો હતો. પીઢ પત્રકાર અને સાહિત્યકાર ગઝલકાર મરહુમ વ્રજમાતરીના સંસ્મરણો પ્રમાણે માધવસિંહભાઈએ ગુજરાત સમાચારમાં ચીફ સબ એડિટર તરીકે કામગીરી બજાવી હતી અને તે વખતે તેની સાથે શેખાદમ અબુવાલા, વ્રજમાતરી, ભુપતભાઈ વડોદરીયા અને વાસુદેવ મહેતા જેવા પત્રકારો તેમની સાથે હતા. દરેક વિષય પર માધવસિંહ ભાઈનું પ્રભુત્વ હતું. ભાવનગરનો એક પ્રસંગ યાદ કરીએ તો જૈન સમાજના કાર્યક્રમમાં માધવસિંહ ભાઈએ ભક્તામર સ્તોત્રનું પુસ્તકમાં જાેયા વગર પઠન કરીને સૌને મંત્રમુગ્ધ કરી દીધા હતા. ટુંકમાં કોઈપણ કાર્યક્રમમાં હાજરી આપતા પહેલા હોમવર્ક કરીને જવાની તેમની આદત હતી.
સાહિત્યને પણ પ્રોત્સાહન આપ્યુંં
ગુજરાતના રાજકારણમાં ખામ થીયરી અમલી બનાવનાર માધવસિંહે પોતાના શાસનકાળમાં સાહિત્યને વધુ પ્રોત્સાહન આપ્યું હતું. માહિતી ખાતાના મેગેઝીન ‘ગુજરાત’ને સાહિત્યીક ઓપ આપાવની કામગીરી માધવસિંહ સોલંકીના શાસન કાળમાં થઈ હતી. આમ માધવસિંહ સોલંકીને ગુજરાતમાં આપેલા પ્રદાન માટે અને રીતે યાદ કરી શકીએ તેમ છે.
અજેય માધવસિંહએ કોંગ્રેસનાં કારમા પરાજયનું પણ મોં જોયુ(માત્ર 29 બેઠક આવી)
માધવસિંહ સોલંકી રાજકારણમાં ભલે અજેય હતા. ભલે ૧૯૯૦ની ચૂંટણીમાં કોંગ્રેસનો કારમો પરાજય થયો હોય પરંતુ પોતે જીત્યા હતા. જાે કે જેમ કોંગ્રેસને ૧૪૯ બેઠકો અપાવવાનો વિક્રમ જેમ તેમના નામે છે તેમ તેમના શાસન કાળના છેલ્લા દિવસોમાં કોંગ્રેસને સૌથી ઓછી બેઠક (૨૯) મળી હતી. તે પણ નોંધ લેવી જ પડે.
ગુજરાતના રાજકારણમાં છેલ્લા થોડા સમયમાં ગાળામાં કોંગ્રેસને પડેલો એક બીજાે મોટો ફટકો છે. અહમદભાઈ પટેલની વિદાય બાદ કોંગ્રેસે પોતાના બીજા મહાન નેતા ગુમાવ્યા છે.
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…