બોમ્બે હાઈકોર્ટ દ્વારા મહારાષ્ટ્રના ગૃહમંત્રી અનીલ દેશમુખ સામે 100 કરોડની વસૂલાત અંગે સીબીઆઈ તપાસના આદેશ આપતા તેમને રાજીનામું ધરી દીધું છે. આ પછી રાજ્યમાં રાજકીય ઘટના ક્રમ ઝડપથી બદલાઈ રહ્યો છે.
દેશમુખે રાજીનામું આપ્યું, પાટિલને જવાબદારી મળી
અનિલ દેશમુખે પોતાનું રાજીનામું મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેને સુપરત કર્યું હતું. પક્ષના સુપ્રીમો શરદ પવાર સાથે વાત કર્યા બાદ અનિલ દેશમુખે રાજીનામું સુપરત કર્યું હતું. દિલીપ વલસેપાટિલ મહારાષ્ટ્રના આગામી ગૃહમંત્રી હશે. પાટીલના નામની અટકળો પર હવે મુખ્યમંત્રી કાર્યાલય દ્વારા પણ મહોર લાગી છે.
સીએમ ઠાકરેની કચેરી વતી રાજ્યપાલને કહેવામાં આવ્યું છે કે દેશમુખે રાજીનામું આપી દીધું છે. હવે, દિલીપ વલસે પાટિલને તેમની જગ્યાએ ગૃહ પ્રધાનની જવાબદારી સોંપવામાં આવશે.
દેશમુખ ઉપર આક્ષેપો પાયાવિહોણા છે: મલિક
અનિલ દેશમુખે મુખ્ય પ્રધાનને લખેલ રાજીનામાનું એક પત્ર ટ્વિટ કર્યું છે. બીજી તરફ મહારાષ્ટ્રના કેબિનેટ મંત્રી નવાબ મલિકે કહ્યું હતું કે અનિલ દેશમુખ ઉપરના તમામ આક્ષેપો પાયાવિહોણા છે. મલિકે કહ્યું કે દેશમુખે ખુદ આ પદ પરથી રાજીનામું આપ્યું છે. દેશમુખે કહ્યું કે જ્યાં સુધી તપાસ નહીં થાય ત્યાં સુધી તેઓ આ પદ સંભાળશે નહીં.
ભાજપે રાજીનામાની માંગ કરી હતી
ગૃહ પ્રધાનના રાજીનામા પછી, પ્રદેશ ભાજપ પ્રમુખ ચંદ્રકાંત પાટિલે કહ્યું કે દેશમુખે રાજીનામું આપ્યું હોવાથી તેઓ ખુશ છે. સીબીઆઈની તપાસમાં ઘણા ચોંકાવનારા ખુલાસા થશે તેવું પણ કહ્યું હતું. અગાઉ પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે અનિલ દેશમુખના રાજીનામાની માંગ કરી હતી. ફડણવીસે કહ્યું કે હાઈકોર્ટના આદેશ બાદ ગૃહ પ્રધાને તપાસના સમય સુધી રાજીનામું આપવું જોઈએ.