મહારાષ્ટ્રમાં કોરોનાના કેસોમાં સૌથી વધુ ઉછાળો જોવા મળ્યો છે. રાજયમાં શુક્રવારે કોરોનાના 47,827 નવા કેસો સામે આવ્યા છે. આ સાથે જ પ્રદેશમાં કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 29,04,076 થઇ ગઇ છે. રાજ્યમાં કોરોના સંક્રમણના કારણે 202 લોકોના મોત થયા છે. મહારાષ્ટ્રમાં છેલ્લા માત્ર 72 કલાકમાં 1 લાખથી વધુ નવા સંક્રમણના કેસો સામે આવી ચૂક્યા છે. સ્વાસ્થ્ય વિભાગે જણાવ્યું કે આ અગાઉ 1 એપ્રિલે પ્રદેશમાં કોવિડ-19ના 43,183 નવા કેસો સામે આવ્યા હતા જે એક દિવસના સર્વાધિક કેસો છે. તેમણે જણાવ્યું કે પ્રદેશમાં 22 માર્ચે સંક્રમિતોનો આંકડો 25 લાખને પાર કરી ગયો હતો જ્યારે 27 માર્ચના રોજ આ 28 લાખને પાર કરી ગયો હતો.
અધિકારીએ જણાવ્યું કે રાજ્યમાં 202 કોરોના દર્દીઓના મોત થઇ ચૂક્યા છે. તેમણે જણાવ્યું કે ત્યારપછી પ્રદેશમાં સંક્રમણથી મરનારાની સંખ્યા 55379 થઇ ગઇ છે. વિભાગના અનુસાર, મહારાષ્ટ્રમાં કોરોના વાયરસ સંક્રમણના કુલ કેસો 29,04,076 થઇ ગયા છે, જેમાંથી કુલ 24,57,494 લોકો સાજા થઇ ગયા છે. હાલ રાજ્યમાં કોવિડ સંક્રમણના કુલ 3,89,832 સક્રિય કેસો છે.
દરમિયાન મહારાષ્ટ્રમાં કોંગ્રેસના નાના પટોલેએ કહ્યું કે 18 વર્ષથી વધુ ઉંમરના બધા લોકોને પ્રાથમિકતાના આધારે કોવિડ-19 વિરોધી રસી લગાવવી જોઇએ. તેમણે કહ્યું કે સંક્રમિતમાં 20થી 45 વર્ષના લોકો વધુ છે કારણ કે તેઓ કામ કરવા માટે બહાર જાય છે જેનાથી તેમને સંક્રમણનો ખતરો વધુ રહે છે.