માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્દ મુઈઝુનો ચીન તરફી નેતા માનવામાં આવે છે. આથી જ મોહમ્દ મુઈઝુ હંમેશા ભારતની નીતિઓ મામલે ટિકા કરતા નિવેદન કરતા રહે છે. જો કે હાલમાં માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્દ મુઈઝુએ ભારત વિરોધી નિવેદનો બંધ કરી દીધા છે. ઉપરાંત તેમણે ભારત અને માલદીવના સંબંધો મજબૂત કરવા બંને દેશો વચ્ચેની ઉચ્ચ સ્તરીય સમિતિની રચના કરવાના પ્રસ્તાવને પણ મંજૂરી આપી દીધી છે.
દુબઇમાં COP28 દરમ્યાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈઝુ વચ્ચે બેઠક યોજાઈ હતી. આ બેઠક બાદ મુઈઝુના ભારત વિરોધી સૂર નરમ પડ્યા હોવાનું દેખાય છે. આ બેઠક બાદ બંને દેશો વચ્ચે ઉચ્ચ સ્તરીય સમિતિની રચના કરવાનો નિર્ણય લેવામાં આવ્યો. જો કે આ બેઠક પહેલા મુઇઝુ સતત ભારત વિરોધી નિવેદનો આપતા જોવા મળ્યા છે. આ ઉચ્ચ સ્તરીય સમિતિની અધ્યક્ષતા બંને દેશોના ઉચ્ચ કમિશનર કરી શકે છે. આ સમિતિ દ્વિપક્ષીય સંબંધોના મુદ્દાઓ, ખાસ કરીને સુરક્ષા અને સંરક્ષણના મુદ્દાઓને સરળ બનાવવાનો પ્રયાસ કરશે.
સૂત્રોના જણાવ્યા અનુસાર રાષ્ટ્રપતિ મુઈઝુએ દુબઈમાં પીએમ મોદી સાથેની મુલાકાત દરમિયાન માલદીવમાં ભારતીય સૈન્ય જવાનોની હાજરીનો મુદ્દો ઉઠાવ્યો હતો. જે બાદ ભારતે તેને વાતચીત દ્વારા ઉકેલવાની ખાતરી આપી છે. આ બેઠક બાદ પીએમ મોદીએ ટ્વીટ કર્યું કે રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈઝુ સાથે આજે મારી સાર્થક મુલાકાત થઈ. અમે વિવિધ ક્ષેત્રોમાં ભારત-માલદીવની મિત્રતા વધારવાની રીતો પર ચર્ચા કરી. અમે અમારા લોકોના હિત માટે સહકારને વધુ ગાઢ બનાવવા માટે સાથે મળીને કામ કરવા આતુર છીએ.
મોહમ્મદ મુઈઝુ રાષ્ટ્રપતિ પદ માટે માલદીવમાં ચૂંટણી પ્રચારથી લઈને રાષ્ટ્રપતિ પદના શપથ ગ્રહણ સુધીના દરેક પ્રસંગે ભારત વિરોધી નિવેદનો કર્યા હતા. મુઈઝુએ જ ચૂંટણી પ્રચાર દરમિયાન ‘ઈન્ડિયા આઉટ’નો નારો આપ્યો હતો. રાષ્ટ્રપતિ મુઈઝુના બદલાયેલા સૂરને લઈને કહેવામાં આવી રહ્યું છે તેઓ પોતાના દેશમાં મોટી રાજકીય પ્રતિક્રિયાનો સામનો કરી રહ્યા છે. મુઇઝુના તેના સાથી અને માલદીવના પૂર્વ રાષ્ટ્રપતિ અબ્દુલ્લા યામીન સાથે મતભેદ છે. આથી જ તેઓ ભારત જેવા દેશો સાથે સંબંધો સુધારવા માંગે છે. કેમકે માલદીવ કે જે નાના ટાપુઓથી ઘેરાયેલો છે તે ઘણી બાબતોમાં સંપૂર્ણપણે ભારત પર નિર્ભર છે. ભારતે માલદીવના વિકાસમાં પણ મોટી ભૂમિકા ભજવી છે અને અબજો ડોલરની લોન પણ આપી છે.