ગુજરાતમાં છેલ્લા ઘણા દિવસોથી ભારે ઉકળાટનાં કારણે લોકો ત્રાહીમામ પોકારી રહ્યા હતા. ગરમીનું પ્રમાણ એટલુ કે લોકો કામ વિના ઘર કે ઓફિસની બહાર નીકળવાનું ટાળતા હતા. ત્યારે રાજ્યભરમાં હવામાન વિભાગની આગાહીનાં પગલે રવિવારે મોડી રાત્રીએ ભારે પવન અને વીજળીનાં કડાકા સાથે અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો હતો. અમદાવાદ અને પાટનગર ગાંધીનગરમાં પણ અનેક વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો.
વરસાદનાં કારણે અઅમદાવાદ અને ગાંધીનગરનાં ઘણા વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા હતા. રવિવારે મોડી રાત્રીએ અમદાવાદ શહેરનાં મોટેરા, ગોતા, રાણીપ, સેટેલાઈટ, નારણપુરા, સરખેજ, એસ જી હાઈવે સહિત તમામ વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો હતો. તો બીજી બાજુ અતિ ભારે પવનથી બોપલ, ઘુમા અને ચાંદખેડા વિસ્તારમાં પણ વીજળી ડૂલ થઈ ગઈ હતી. આ સાથે શહેરનાં અનેક વિસ્તારોમાં પાણી ભરાયાં હતા. તેમજ નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયાં હતા. રાજ્યનાં પાટનગરમાં પણ ભારે પવન સાથે વરસાદ પડ્યો હતો, જેના કારણે ઘણા વિસ્તારોમાં પાણી પણ ભરાઇ ગયા હતા.
આપને જણાવી દઇએ કે, વરસાદની આગાહી કરતા હવામાન વિભાગે જણાવ્યું હતું કે, બંગાળનું લો પ્રેસર વરસાદી વાદળો લઈને ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે. ત્યારે તેને પગલે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર કચ્છમાં સામાન્યથી ભારે વરસાદની આગાહી છે. સોમવારે બપોર પછી દક્ષિણ ગુજરાત-સૌરાષ્ટ્રમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રીની સાથે રાજ્યનાં વિવિધ વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા હવામાન નિષ્ણાંતે વ્યક્ત કરી છે.
રવિવારે મોડી રાત્રીએ પવન સાથે આવેલા વરસાદનાં કારણે લોકોએ ગરમીથી રાહત મેળવતા વરસાદનું આગમન કર્યુ હતુ. સોમવારથી વાતાવરણમાં પલટો આવ્યાં બાદ 26થી 28 જૂન વચ્ચે અમદાવાદમાં વરસાદની શક્યતા સૌથી વધુ છે. 26 જૂનથી અમદાવાદમાં પવનની ગતિ વધશે, જેથી વાતાવરણમાં ઠંડક વધતાં ગરમીનો પારો 1થી 2 ડિગ્રી ગગડશે તેવી પણ સંભાવનાઓ છે. વરસાદનાં કારણે ઘણા વિસ્તારોમાં પાણી ભરાયા હોવાનું સામે આવ્યુ છે. આ સાથે વરસાદનાં આગમને એક વાર ફરી લોકોને ઠંડકનો અહેસાસ કરાવ્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.