Rajkot news: રાજયમાં હવામાન વિભાગની આગાહીના પગલે અલગ અલગ વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે. ખાસ કરીને રવિવારે મેઘરાજાએ સૌરાષ્ટ્રમાં મંડાણ કર્યા છે.સવારે પોરબંદરમાં ધોધમાર વરસાદ વરસ્યા બાદ બપોરે બેથી ચાર દરમિયાન દેવભૂમિ દ્વારકાના ખંભાળિયામાં બે કલાકમાં જ પાંચ ઈચ વરસાદ ખાબકતા શહેરમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી હતી.
મેઘરાજાએ પોરબંદરને પલાળ્યું
પોરબંદરમાં મેઘરાજાનું આગમન થયું છે. શનિવારે રાત્રિના જોરદાર વરસાદી ઝાપટું પડ્યા બાદ આજે રવિવારે વહેલી સવારે ધોધમાર વરસાદ વરસ્યો હતો. જેથી રસ્તા પર પાણી ફરી વળ્યાં હતાં. વરસાદ પડતા લોકોને ગરમીથી રાહત મળી હતી. ધોધમાર વરસાદથી માર્ગો પર પાણી ફરી વળ્યાં હતાં. તેમજ અનેક વિસ્તારોમાં પાણી ભરાયાં હતાં. તો રાણાવાવ તાલુકામાં પણ વરસાદ પડ્યો હતો. ભોદ ગામે ખેતરોમાં પાણી ભરાયાં હતાં. કુતિયાણા તાલુકામાં માત્ર વરસાદી ઝાપટાં પડ્યાં હતાં. પોરબંદર શહેરમાં માત્ર પોણા ત્રણ ઇંચ વરસાદમાં અનેક વિસ્તારમા વરસાદી પાણી ભરાયા હતા. બરડા પંથકની વાત કરીએ તો કુણવદર, ખાંભોદર, નટવર સહિતનાં ગામોમાં વરસાદ પડ્યો હતો. અહીં પણ વાડી-ખેતરો પાણીથી તરબોળ બની ગયાં હતાં. ઘેડ પંથકનાં ગામોમાં પણ વરસાદ પડ્યો હતો.
જૂનાગઢમાં મેઘરાજાનું આગમન
જૂનાગઢમાં ધીમીધારે વરસાદની એન્ટ્રી થઈ છે. જેથી વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. બપોરના સમયે જૂનાગઢ શહેરના કાળવા ચોક, મધુરમ, ટીંબાવાડી, મોતીબાગ, સાબલપુર ચોકડી, દોલતપરા જોશીપરા તેમજ અન્ય વિસ્તારોમાં વરસાદી માહોલ છવાયો છે. સિઝનના પહેલા વરસાદની શરૂઆત થઈ ચૂકી છે.
ખંભાળિયામાં બે કલાકમાં પાંચ ઈંચ વરસાદ
દેવભૂમિ દ્વારકામાં આજે સવારથી જ મેઘરાજાએ મંડાણ કર્યા છે. ભાણવડ તાલુકામાં ધોધમાર વરસાદ ખાબક્યા બાદ બપોરે 2 વાગ્યે ખંભાળિયામાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ શરૂ થઈ હતી. માત્ર બે કલાકમાં જ પાંચ ઈંચથી વધુ વરસાદ ખાબકતા શહેરના રસ્તાઓ પાણી પાણી થઈ ગયા હતા. તો બીજી તરફ વાવણીલાયક વરસાદ વરસતા ધરતીપુત્રોમાં ખુશીનો માહોલ છવાયો છે. આજે વહેલી સવારે દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડમાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો.
કચ્છના ગ્રામ્ય વિસ્તારમાં હળવો વરસાદ
કચ્છમાં આજે સવારે મુન્દ્રા અને ભુજ તાલુકાના ગ્રામીણ વિસ્તારમાં હળવાં ઝાપટાં પડ્યાં હતાં. મુન્દ્રા તાલુકાના વવારમાં વરસાદી ઝાપટું વરસ્યું હતું. તો ભુજના ભુજપરમાં પણ વરસાદ થયો હતો. આ સિવાય જિલ્લામાં ધૂપછાવનો માહોલ સર્જાતા સાંજ સુધીમાં વધુ વરસાદ થવાની સંભાવના ઊભી થઈ છે. બે કલાકમાં જ ધોધમાર પોણા બે ઈંચ વરસાદ વરસ્યો હતો.. તેમજ ભચાઉ, વલસાડ, માણાવદર અને જામજોધપુરમાં પણ ધીમીધારે વરસાદ વરસ્યો હતો.
સૌથી વધુ વરસાદ વઢવાણમાં
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 32 તાલુકામાં વરસાદ વરસ્યો હતો. જેમાં સૌથી વધુ સુરેન્દ્રનગરના વઢવાણમાં 64 MM, ભાવનગરના ગારિયાધારમાં 46 MM, લખતરમાં 30 MM, જેસરમાં 25 MM, લાઠીમાં 18 MM, લીલિયામાં 19 MM વરસાદ વરસ્યો હતો. આ ઉપરાંત મોરબી, નવસારી, તાપી, નર્મદા, વલસાડ, જામનગર, દેવભૂમી દ્વારકા, જૂનાગઢ, પોરબંદર સહિતમાં પણ ધીમીધારે વરસાદ વરસ્યો હતો.
19 સુધી કયા કયા જિલ્લાઓમાં વરસાદ
17 જૂનના રોજ ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા અને નગર-હવેલી, અમરેલી અને ભાવનગરમાં તેમજ 18 જૂનના રોજ ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા અને નગર-હવેલી, સૌરાષ્ટ્રના જૂનાગઢ, અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથમાં વરસાદ પડી શકે છે. જ્યારે 19 જૂનના રોજ પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા અને નગર-હવેલી તેમજ સૌરાષ્ટ્રના જૂનાગઢ, અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથમાં વરસાદની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે.
આ પણ વાંચો: રથયાત્રા માટે ભગવાનનાં વાઘા તૈયાર, જાણો ક્યારે મંદિરના પ્રાંગણમાં વાઘા મૂકાશે
આ પણ વાંચો: અમદાવાદમાં ઠગોએ સોનાની લૂંટ આદરી
આ પણ વાંચો: કેબિનેટ મિનિસ્ટર પાટીલે વોટર હાર્વેસ્ટિંગ પ્લાન્ટનું કર્યું લોકાર્પણ