ક્રાઈમ/ મેંદરડાના પોલીસ કોન્સ્ટેબલનો ગળેફાંસો ખાઈને આપઘાત | આવું હતું કારણ

તેઓ અવાર નવાર ઘરેથી નીકળી જતા હતા, ત્યારે હાલ તો ડીપ્રેશનના કારણે આ પગલું ભરી લીધું હોય તેવું બહાર આવ્યું છે.

Gujarat Others
મેંદરડા

મેંદરડા પોલીસ સ્ટેશનમાં પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા એક પોલીસકર્મીએ  કેનેડીપુર પાસે આવેલા આંબાના બગીચામાં ગળેફાંસો ખાઈને આપઘાત કરી લેતા પોલીસ બેડામાં શોકનું મોજુ ફરી વળ્યું છે. અને તેની આત્મહત્યાનું કારણ ડીપ્રેશન હોવાનું જાણવા મળી રહ્યું છે જોકે હજી તપાસ ચાલુ છે અને કોઈ નવા વણાંક પણ આવી શકે છે.

મેંદરડા પોલીસ સ્ટેશનમાં છેલ્લા એક વર્ષથી ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ કિરણભાઈ અરજણભાઈ જીલણીયા ઉમર ૪૦ (રહે.સેંદરડા) સોમવારે સવારે પોતાના ઘરેથી નોકરી ઉપર જાવ છું તેમ પત્નીને કહીને નીકળ્યા હતા બાદમાં તેનો પત્તો ન લાગતા તેમના પત્ની અને તેમના ભાઈએ શોધખોળ શરુ કરતા બપોરે અહીના કેનેડીપુર પાસે આવેલા આંબાના બગીચાની બહાર તેમનું બાઈક જોવા મળતા અંદર તપાસ કરી તો અંદર આંબાના ઝાડ પર ગળેફાંસો ખાધેલ હાલતમાં કિરણભાઈનો મૃતદેહ મળી આવ્યો હતો. જે અંગેની જાણ થતા તેઓ સ્થળ પર પહોંચ્યા હતા, અને આગળની કામગીરી કરી હતી.

પોલીસે જણાવ્યું કે, કિરણભાઈ છેલ્લા કેટલાક સમયથી માનસિક રીતે ડીપ્રેશનમાં હતા અને તેની દવા પણ ચાલુ હતી, તેઓ અવાર નવાર ઘરેથી નીકળી જતા હતા, ત્યારે હાલ તો ડીપ્રેશનના કારણે આ પગલું ભરી લીધું હોય તેવું બહાર આવ્યું છે. તેમને સંતાનમાં બે બાળકો છે. હાલ તો તેમના મૃત્યુના સમાચારથી તેમના પરિવાર અને પોલીસ બેડામાં શોકનું મોજું ફરી વળ્યું છે અને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો : અપમાન અને અફસોસ : 68માં નેશનલ ફિલ્મ એવોર્ડમાં સતત બીજા વર્ષે પણ ગુજરાત કે ગુજરાતીઓ ક્યાંય નથી