નવી દિલ્હી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સરકારના ચાર વર્ષ પૂરા થવા બાદથી લોકો સાથે સંવાદ કરવાના કાર્યક્રમમાં વધારો કર્યો છે. જે અંતર્ગત વડાપ્રધાન મોદીએ દેશભરમાં સેલ્ફ-હેલ્પ ગ્રુપ સાથે સંકળાયેલ મહિલાઓ સાથે સીધો સંવાદ કર્યો.
નમો એપ મારફતે આ મહિલાઓ સાથે વાતચીત કરતા વડાપ્રધાન મોદીએ જણાવ્યુ કે, મહિલા સશક્તિકારણની જ્યારે આપણે વાત કરીએ છીએ તો સૌથી મહત્વપૂર્ણ આવશ્યક્તા હોય છે, મહિલાઓને સ્વયં શક્તિઓને, પોતાની યોગ્યતાને અને પોતાની આવડતને ઓળખવાની તક ઉપલબ્ધ કરાવવી.
વડાપ્રધાન મોદીએ જણાવ્યુ કે, આજે તમે કોઈપણ સેક્ટરને જુઓ તો ત્યાં મહિલાઓ મોટી સંખ્યામાં કામ કરતી જોવા મળશે. દેશના એગ્રીકલ્ચર સેક્ટર, ડેરી સેક્ટરની તો મહિલાઓના યોગદાન વગર કલ્પના કરવી પણ શક્ય નથી. આપણા દેશના ગ્રામીણ વિસ્તારોમાં, નાના વેપારીઓ માટે, શ્રમિકો માટે, સેલ્ફ હેલ્પ ગ્રુપ મોટી ભૂમિકા ભજવી રહ્યા છે. મોદીએ વધુમાં કહ્યુ કે આ સેલ્ફ હેલ્પ ગ્રુપ એક રીતે ગરીબો, ખાસ કરી મહિલાઓની આર્થિક ઉન્નતિનો આધાર બન્યા છે.
આ ગ્રુપ મહિલાઓને જાગૃત કરવાનુ કામ કરે છે, તેમને આર્થિક અને સામાજિક રીતે મજબુત બનાવી રહ્યા છે. મોદીએ જણાવ્યુ કે, આ યોજનાને તમામ રાજ્યોમાં શરુ કરવામાં આવવી છે, હું તમામ રાજ્યો અને ત્યાંના અધિકારીઓનો પણ આભાર માનવા માંગું છું કે જેમણે આ યોજનાને લાખો-કરોડો મહિલાઓ સુધી પહોંચાડી.