- મોરબી હોનારતનો મૃત્યુઆંક 150ને વટાવી ગયો
- દુર્ઘટનાની 15 મિનિટ પહેલા રાજુલાનો પરિવાર સેલ્ફી લેતો હતો
- પુલ તૂટવાની ઘટના નજર સામે જ બનતી જોતાં સ્તબ્ધ
મોરબીના ઝૂલતા પૂલની તૂટી પડવાની ગોઝારી ઘટનામાં કેટલાય કમનસીબ લોકો મોતને ભેટ્યા છે. મૃત્યુઆંક 150ને વટાવી ગયો છે.તેની સામે આ દુર્ઘટનામાં કેટલાક એવા લોકો નસીબદાર પણ રહ્યા છે કે જે પુલ તૂટવાની થોડી જ મિનિટો પહેલા તેના પરથી બહાર નીકળી ગયા છે. અમરેલીના રાજુલાનો પરિવાર આવો જ એક સદનસીબ પરિવાર છે, જેણે દુર્ઘટનાની થોડી ક્ષણો પહેલા જ પુલ છોડ્યો હતો.
અમરેલીના રાજુલાનો પરિવાર દુર્ઘટનાના 15 મિનિટ પહેલા પુલ પર સેલ્ફી લેતો હતો, પણ કુટુંબનો નવ વર્ષનો બાળક રડવા ચઢતા કુટુંબ પુલ પરથી બહાર નીકળી ગયું હતું અને કાળમુખી દુર્ઘટનાનો ભોગ બનતા બચી ગયું હતું. દુર્ઘટનાથી બચી ગયા હોવા છતાં પણ પોતાની સામે થયેલી દુર્ઘટના જોઈને આ પરિવાર હજી પણ સ્તબ્ધ છે.
તેઓએ જે જગ્યાએ સેલ્ફી લીધી ત્યાંથી જ પુલ તૂટ્યો હતો અને જો બાળક બહુ રડ્યુ ન હોત તો તેઓ આ પુલ પર આગળ જ જવાના હતા. તેની સાથે તે દુર્ઘટના સમયે પુલ પર જ હોત.
આમ તેઓ માની રહ્યા છે કે માસૂમે રડીરડીને આખા કુટુંબને બહાર કાઢ્યુ અને સમગ્ર કુટુંબનો જીવ બચાવ્યો. આ બતાવે છે કે રામ રાખે તેને કોણ ચાખે. પુલ તૂટવાની ઘટનામાં પણ પોતાના નવ વર્ષના બાળકના લીધે તેઓ બચી ગયા હોવાનું માને છે. આજે બાળક બહુ રડ્યું ન હોત તો તેઓમાંથી કોઈ જીવતું ન હોત. આ કુદરતનો સંકેત હશે કે બાળક દ્વારા કુદરતે તેમને બચાવ્યા તેમ માનીને તેઓ ઇશ્વરનો આભાર માને છે.