@હિંમત ઠક્કર
પાટીદાર મતોમાં વિભાજન : અન્ય જ્ઞાતિના મતદારોના હાથમાં વિજયની ચાવી
મચ્છુ હોનારતના કારણે વિશ્વ વિખ્યાત બનેલા અને છેલ્લા થોડા વર્ષોથી સિરામિક ઉદ્યોગનું હબ બનેલા અને તે સિવાયના અનેક ઉદ્યોગો જયાં ચાલે છે તે મોરબી વિધાનસભા મતવિસ્તાર મોરબી શહેર તેના તાલુકાના ૩૦ ગામો અને માળિયા–મિયાણા તાલુકાના સમાવિષ્ટ થયેલા આ મતવિસ્તારના સિમાંકનો ત્રણ થી વધુ વખત બદલાયો છે.
ભૂતકાળમાં કોંગ્રેસનો ગઢ ગણાતો અને હવે ભાજપના ગઢમાં છેલ્લી થોડી ચૂંટણીઓમાં પરિવર્તન થયેલા મોરબી વિધાનસભા મત વિસ્તારના મતદારોએ પોતાને યોગ્ય લાગે તેવા પરિણામો આપ્યા છે. આ વિધાનસભા મતવિસ્તાર ભૂતકાળમાં રાજકોટ સંસદીય મતવિસ્તારનો ભાગ હતો. મોરબી પોતે રાજકોટ જિલ્લાનો ભાગ હતો. ર૦૧રમાં ગુજરાતમાં નવા જિલ્લાઓની રચના થતા તેમાં મોરબીને પણ અલગ જિલ્લો બનાવાયો છે અને મોરબી તેનું વડુમથક છે. મોરબી મતવિસ્તાર પહેલા રાજકોટ જિલ્લામાં સંસદીય મતવિસ્તાર સાથે જોડવામાં આવ્યો છે. ત્યાં પણ આ મોરબી મતવિસ્તાર પરિણામને પલટાવતો નથી પરંતુ ત્રણેય ચૂંટણીમાં ભાજપની સરસાઈ વધારવામાં મહત્વની ભૂમિકા ભજવી છે.
ગુજરાત રાજયની રચના બાદ ૧૯૬રમાં યોજાયેલી પ્રથમ ચૂંટણીમાં આ બેઠક પર ગોકળદાસ પરમાર તે વખતની બે બળદની જોડીવાળી વિભાજન પહેલાના કોંગ્રેસના ઉમદવાર તરીકે જીત્યા હતા. જયારે ૧૯૬૭માં ગુજરાતમાં ઘણી બેઠકો સ્વતંત્ર પક્ષ જીત્યો હતો. ત્યારે આ બેઠક પર પણ સ્વતંત્ર પક્ષની ટિકિટ પર તારા (સ્ટાર)ના નિશાન સાથ વી઼ પી઼ મહેતા જીત્યા હતા. જો કે ૧૯૭રમાં આ બેઠક પરથી કોંગ્રેસના મગનભાઈ સોમૈયા ૧૯૭પમાં કોંગ્રેસના ગોકળદાસ પરમાર. ૧૯૮૦માં કોંગ્રેસના સરાડવા જીવરાજ થોભણ ચૂંટણી જીત્યા હતા. જયારે ૧૯૮પમાં અમૃતભાઈ અઘારાના વિજય સાથે ભાજપે ખાતુ ખોલ્યું હતું.
૧૯૯૦માં વિપક્ષી ટેકા સાથે અપક્ષ તરીકે મેદાનમાં ઉતરેલા અને મચ્છુ પૂર હોનારત વખતે મોરબી આવી રાહતકામો – બચાવ કામ પર દેખરેખ રાખનારા તાત્કાલીન મુખ્યમંત્રી બાબુભાઈ જશાભાઈ પટેલ ચૂંટાયા હતા. અને ૧૯૯૦માં ભાજપ જનતા દળની સંયુકત સરકારમાં કેબિનેટ પ્રધાન પણ બન્યા હતા. ૧૯૯પ થી આ બેઠક પર સતત પાંચ ચૂંટણી સુધી ભાજપના ઉમેદવાર તરીકે કાંતિભાઈ અમૃતિયા ચૂંટાયા હતા. મોરબીની બેઠક એ જમાનામાં ભાજપનો ગઢ ગણાતો હતો. ર૦૧રની ચૂંટણી કાંતિભાઈ અમૃતિયાએ કોંગ્રેસના ઉમેદવાર બ્રીજેશ મેરજાને પરાજિત કર્યા હતા. પરંતુ ર૦૧પમાં શરૂ થયેલા પાટીદાર અનામત આંદોલનની ઘેરી અસર થઈ હતી અને તેના કારણે આ બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર બ્રીજેશ મેરજાએ રાજયસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસમાંથી રાજીનામુ આપી પોતાની બેઠક ખાલી કરી હતી. અને હવે ૩જી નવેમ્બરે તેની પેટાચૂંટણી યોજાઈ રહી છે. આ બેઠક પર મોરબીના વતની જયંતીભાઈ જશાભાઈ પટેલ કોંગ્રેસના ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતર્યા છે. પાટીદારોના પ્રભુત્વવાળી મનાતી આ બેઠક પર ૭૦ હજારથી વધુ પટેલ, ૪૦ હજાર લઘુમતી, ર૦ હજાર સતવારા, રપ૦૦૦ કોળી, ૭૦૦૦ જૈન, ૮૦૦૦ લોહાણા, ૯૦૦૦ બ્રાહમણ, ૧૦૦૦૦ આહિર, ૧૧૦૦૦ લુહાર–સુથાર–દરજી, ૮૦૦ ભરવાડ, ૮૦૦૦ ક્ષત્રિય અને બાકીના અન્ય જ્ઞાતિના ઉમેદવારો છે. જેન્તીભાઈ ચુસ્ત કોંગ્રેસી છે. અને તેઓ મોરબી ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ છે. બ્રીજેશ મેરજા પહેલા કોંગ્રેસમાં પાછા ફર્યા. અને કોંગ્રેસે તેમને ટિકીટ પણ આપી અને પ્રજાએ તેમને ધારાસભ્ય પણ બનાવ્યા.
બ્રિજેશ મેરજાની કારર્કદિી પર બે વખત પક્ષપલટાનું કલંક લાગેલું છે. મોરબીના વિકાસના સૂત્ર સાથે બન્ને ઉમેદવારો મેદાનમાં ઉતર્યા છે. જો કે પક્ષ પલટાનો મુદો પ્રજાના અમૂક વર્ગના મતો બ્રીજેશ મેરજાને ન પણ મળે તેવી શકયતા છે. મોરબીની બેઠક માટે માટે ર,૭૦,૯૦૬ મતદારો છે. જેમાં ૧,ર૯,૩રર મહિલાઓ છે. જયારે ૧,૪૧,પ૮૩ પુરુષો છે. ૮૦ વર્ષથી વધુ વયના પ૧૧૩ મતદારો છે. કોરોના વાયરસને અનુલક્ષીને ચૂંટણી પંચની માર્ગદર્શકિા પ્રમાણે આ પેટાચૂંટણી યોજાઈ રહી છે. અઢી વર્ષમાં આવી પડેલી આ પેટાચૂંટણી ઘણા મતદારોને પસંદ નથી. કોંગ્રેસે ગુજરાતની સ્થિતિ અને મેરજાના પપક્ષ પલટાનો મુખ્ય મુદો બનાવ્યો છે. તો ભાજપ બ્રીજેશ મેરજાએ વિપક્ષમાં રહી કરેલા વિકાસકામો અને ભાજપની કેન્દ્ર અને રાજય સરકારે કરેલા કામોને મુખ્ય મુદો બનાવ્યો છે઼ પાટીદાર મતદારો બે ભાગમાં વહેંચાયેલા છે ત્યારે અન્ય જ્ઞાતિના બે લાખથી વધુ મતો વધુ નિર્ણાયક સાબિત થાય તેમ છે.