મોરબી
મોરબીમાં મહેન્દ્રપરા અને વાવડી રોડ સુધીના રોડમાં મંદગતિએ ચાલી રહેલા ભૂગર્ભ ગટ્ટરના કામમાં બે દિવસમાં પડેલા વરસાદનું પાણી ફરી વળતા ઘણા વાહન ચાલકો તેમાં ફસાયા હતા અને વધુ લોકો ન ફસાઈ તે માટે કાંટાળા બાવળની આડશ ઊભી કરી દેવામાં આવી હતી.
મોરબી શહેરના વરસાદી પાણીનો માધાપર-વાવડી રોડ ઉપર કુદરતી નિકાલ હતો પણ તે બંધ થઇ જતા દર વર્ષે મહેન્દ્રપરા અને માધાપરમાં પાણી ભરાઈ જાય છે જે પાણીના નિકાલ કરવા મહેન્દ્રપરાથી વાવડીરોડ સુધીમાં ભૂગર્ભ ગટ્ટરનું કામ શરૂ કર્યું છે.
પણ આ કામ ગોકળગાય ગતિએ ચાલતું હોય અને બે ઇંચ વરસાદ પડતાં આ રોડ ઉપરથી પસાર થતા લોકોની હાલાકી વધી ગઈ હતી અને ચારથી પાંચ બાઇક ચાલકો અને એક રીક્ષા ભૂગર્ભ ગટ્ટરના ખોદેલી ખાઈમાં ખાબકીયા હતા અને વધુ લોકો ન ફસાઈ તે માટે મહેન્દ્રપરાના બે સ્થળે કાંટાળા બાવળની આડશ ઊભી કરી દેવાઈ હતી.
પરંતુ મંદગતિએ ગટરનું કામ ચાલુ હોય લોકોની હાલાકી વધી છે અને પાણીનો નિકાલ થવાના બદલે માધાપરના મુખ્ય રોડ અને પાછળના રોડમાં પાણી ભરાઈ ગયા હતા. આ બાબતે નગરપાલિકાના અધિકારીનો સંપર્ક કરવા છતાં તેઓ રૂબરૂ મળી શકેલ નહિ તેથી તેમનો વ્હ્યુ જાણી શકાયો નથી.