- પાટણઃ જાવંત્રી ગામે લગ્ન પહેલા માતમ છવાયો
- દીકરાની જાન જવાના સમયે જ માતાનું મોત
- વીજ કરંટ લાગતા માતાનું મોત
- પરિવારમાં શોકનો માહોલ છવાયો
આ દુનિયામાં ક્યારે શું થાય તેના વિશે કોઈ જ કશું કહી શકતા નથી. કુદરત ક્યારેક માનવીની ખૂબ આકરી કસોટી કરે છે. ઈશ્વરની આવી જ કસોટીની કરુણ ઘટના પાટણથી સામે આવી છે. જેમાં દીકરાના લગ્નમાં માતાનું મોત નીપજ્યું હતું. એક બાજુ દીકરાના લગ્ન હતા અને માતાની ચીર વિદાય થઈ હતી.
દીકરાના લગ્નમાં જ માતાનું મોત
આ અંગે મળતી માહિતી અનુસાર, રાધનપુરના જાવંત્રી ગામમાં દીકરાની જાનની તૈયારી ચાલતી હતી ત્યારે માતાનું મોત થતા ખુશીનો માહોલ માતમમાં ફેરવાયો હતો. લગ્ન મંડપમાં લાગેલા પંખાનો મહિલાને વીજ કરંટ લાગતા સારવાર મળે તે પહેલાં મોત નિપજ્યું હતું.
આ મહિલાના પતિનું પહેલા જ નિધન થયું છે. દીકરા-દીકરીના સહારે વિધવા મહિલાએ જિંદગી વિતાવી હતી. જ્યારે ઘરમાં સુખનો સુરજ ઉગવાનો હતો ત્યારે જ કાળ ભરખી ગયો. દીકરાના લગ્ન સમયે જ માતાનું મોત થતા પરિવારમાં માતમ છવાયો છે. મહિલાની લાશને પીએમ અર્થે રાધનપુર હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે.
રાધનપુર તાલુકાના જાવંત્રી ગામમાં રહેતા ભાનુભાઈ પરમારના પુત્ર અજય પરમારના લગ્ન હતા. આજે અજયની જાન પરણવા જવાની હતી. જેથી વહેલી સવારે અજયના માતા ધનીબેન જરુરી તૈયારી કરી રહ્યા હતા. આ સમયે જ લગ્ન માટેના મંડપમાં રાખેલા પંખાને અડી જતા વીજશોક લાગ્યો હતો.જેથી ધનીબેનને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા. જ્યાં તેઓને મૃત જાહેર કરાયા હતા.
માતાના મોતના કારણે પુત્રના લગ્ન અધૂરા ન રહે તે માટે પરિવારજનોએ ધનીબેનના મોત અંગે અજયને જાણ જ કરી ન હતી. ધનીબેનની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હોવાની વાત કરી હતી. પરિવારના કેટલાક સભ્યોએ હાજર રહી સાદગીથી લગ્નવિધિ પૂર્ણ કરી હતી.
આ પણ વાંચો:ધરતી પર એલિયનનો ગોળો પડવાનો સિલસિલો યથાવત, હવે આ શહેરમાં પડ્યો અવકાશી પદાર્થ
આ પણ વાંચો: સામાન્ય લોકો માટે કેસર કેરીનો સ્વાદ બન્યો કડવો, આટલા ટકા પાક નાશ પામ્યો
આ પણ વાંચો: પાટણમાં મકાનની દીવાલ ધરાશાયી થતાં પતિનું મોત, પત્નીને થઈ ગંભીર ઇજા