Flash Back 2023/ મહિલા આરક્ષણ બિલ સદનમાં પાસ છતાં સાંસદ મહુઆ મોઈત્રાનું સભ્ય પદ થયું રદ, મળશે ન્યાય

લાંબો સમય રાહ જોયા બાદ આ વર્ષે મહિલા અનામત બિલને મંજૂર મળી ગઈ છે. ત્યારે સવાલ એ થાય કે સંસદમાં અવાજ ઉઠાવનાર મહિલા નેતા મહુઆ મોઈત્રાનું રદ કરવામાં આવેલ સભ્ય પદ પુનઃપ્રાપ્ત થશે.

Top Stories India Politics
YouTube Thumbnail 19 1 મહિલા આરક્ષણ બિલ સદનમાં પાસ છતાં સાંસદ મહુઆ મોઈત્રાનું સભ્ય પદ થયું રદ, મળશે ન્યાય

મહુઆ મોઈત્રા વર્ષના ચર્ચાસ્પદ મહિલા રાજનેતા

તૃણમૂલ કોંગ્રેસની સાંસદ મહુઆ મોઈત્રાએ  ‘કેશ ફોર ક્વેરી’ મામલે લોકસભામાંથી સાંસદ પદ ગુમાવવાનો વારો આવ્યો છે. TMCનેતા મહુઆ મોઈત્રા પોતાનું સભ્યપદ પુનઃસ્થાપિત કરવા કાનૂની લડાઈ લડી રહી છે. મહુઆ મોઈત્રા આ વર્ષની ચર્ચાસ્પદ મહિલા રાજનેતા કહી શકાય. ‘કેશ ફોર ક્વેરી’ને લઈને ટીએમસી નેતા સંસદ અને મીડિયામાં સતત હેડલાઈનમાં રહી. લોકસભામાં એથિક્સ કમિટીના રિપોર્ટને મંજૂરી મળ્યા બાદ સોમવારે TMC નેતાને ગૃહમાંથી હાંકી કાઢવામાં આવ્યા હતા.

બંધારણના જાણકારોના મતે મહુઆ મોઈત્રાનું સાંસદ પદ રદ થતા હવે આ ઓપ્શન જ બચ્યા છે. એક વિક્લ્પ એ કે મહુઆ સાંસદ પદ દૂર કરવાના નિર્ણય પર સમીક્ષા કરવા માટે સંસદને વિનંતી કરી શકે છે અથવા તો નિર્ણયનો સ્વિકાર કરી આગામી 4 મહિનામાં ફરી ચૂંટણી લડી શકે છે. આ સિવાય મૂળભૂત અધિકારો અને કુદરતી ન્યાયના ઉલ્લંઘન મર્યાદિત મુદ્દા પર સુપ્રીમ કોર્ટનો દરવાજો ખટખટાવી શકે છે. આ મામલે મહુઆએ સુપ્રીમમાં અરજીનો વિકલ્પ પસંદ કરતા સંસદના નિર્ણયને પડકારતા સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે. લોકસભામાંથી હકાલપટ્ટીને પડકારતી મહુઆ મોઈત્રાની અરજીની સુનાવણી હવે 3 જાન્યુઆરીએ થશે.

સાંસદ પદ રદ થતા ક્રોધે ભરાયા

સાંસદ પદ રદ થતા મહુઆ મોઈત્રા વધુ ક્રોધે ભરાયા હતા. અને તેમણે મોદી સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા. મહુઆએ કહ્યું કે, ‘મોદી સરકારે વિચાર્યું હતું કે મને ચૂપ કરીને તેઓ અદાણીના મુદ્દાને ખતમ કરી દેશે, તમને જણાવી દઈએ કે આ કાંગારૂ કોર્ટે જ આખા ભારતને બતાવ્યું છે કે અદાણી તમારા માટે કેટલા મહત્વપૂર્ણ છે, અને તમે એક મહિલાને કેટલી હદે હેરાન કરશો.

મહુઆ મોઈત્રા પર આરોપ

ટીએમસી સાંસદ પર પૈસા લઈને સંસદમાં પ્રશ્ન પૂછવાનો અને સંસદનો સંવેદનશીલ લોગઈન-પાસવર્ડ અન્ય શખસને આપ્યો હોવાનો આરોપ છે. ભાજપ સાંસદ નિશિકાંત દુબેની લેખિત ફરિયાદના આધારે સંસદની એથિક્સ કમિટીએ આ મામલે કાર્યવાહી કરતા મહુઆ મોઈત્રાનું સભ્ય પદ રદ કર્યું. આના વિરુદ્ધમાં મહુઆ મોઈત્રાએ સુપ્રીમ કોર્ટમાં ન્યાય માટે ગુહાર લગાવી છે.

મહુઆ મોઈત્રા પરિચય

ઉલ્લેખનીય છે કે મહુઆ મોઈત્રા પશ્ચિમ બંગાળના કૃષ્ણાનગર મતવિસ્તારના ટીએમસી સાંસદ હતા. એથિક્સસ કમિટિના રિપોર્ટ બાદ મોઈત્રાને સાંસદ પદેથી દૂર કરાતા હવે તેમના અધિકારીક એકાઉન્ટ પર પૂર્વ સાંસદ લખવામાં આવ્યું છે. મહુઆ મોઈત્રા ઓલ ઈન્ડિયા તૃણમૂલ કોંગ્રેસના ઉમેદવાર તરીકે બેઠક પર જીત મેળવ્યા બાદ 2019માં પ્રથમ વખત સાંસદ બન્યા હતા. મોઇત્રાએ છેલ્લા કેટલાક વર્ષોથી AITCના મહાસચિવ અને રાષ્ટ્રીય પ્રવક્તા તરીકે સેવા આપી છે. મહુઆ મોઇત્રાએ યુનાઇટેડ સ્ટેટ્સના મેસેચ્યુસેટ્સમાં માઉન્ટ હોલીયોક કોલેજ સાઉથ હેડલીમાંથી અર્થશાસ્ત્ર અને ગણિતમાં સ્નાતક પૂર્ણ કર્યું. મહુઆ મોઇત્રા રાજકારણમાં પ્રવેશતા પહેલા એક ઇન્વેસ્ટમેન્ટ બેંકર હતા.

મોઇત્રા જેપી મોર્ગનના વાઇસ પ્રેસિડેન્ટ હતા અને ન્યુયોર્ક સિટી અને લંડનમાં જેપી મોર્ગન ચેઝ માટે ઇન્વેસ્ટમેન્ટ બેન્કર તરીકે કામ કર્યું હતું. મહુઆ 2010માં તૃણમૂલ કોંગ્રેસમાં જોડાયા. અને કરીમપુરમાં વિધાનસભા ચૂંટણી લડતા જીત મેળવી હતી. ત્યારબાદ 2019માં મોટા માર્જિનથી ભાજપના કલ્યાણ ચૌબેને હરાવતા કૃષ્ણનગર મત વિસ્તારમાંથી સંસદ સભ્ય તરીકે ચૂંટાયા.

મહિલા આરક્ષણ બિલ

લાંબો સમય રાહ જોયા બાદ આ વર્ષે મહિલા અનામત બિલને મંજૂર મળી ગઈ છે. 27 વર્ષથી સંસદમાં મહિલા આરક્ષણ બિલ મંજૂરીની રાહ જોઈ રહ્યું હતું. પ્રથમ વખત 1996માં આ બિલ રજૂ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ વાજપેયી સરકાર અને મનમોહન સરકારના સમયમાં પણ આ બિલ રજૂ કરવામાં આવ્યું છતાં પાસ થવામાં સફળતા ના મળી.  લોકસભા અને વિધાનસભાઓમાં મહિલાઓને 33 ટકા અનામત આપતું બિલ સંસદમાં પસાર થઈ ગયું છે. ત્યારે સવાલ એ થાય કે સંસદમાં સત્યનો અવાજ ઉઠાવનાર મહિલા નેતા મહુઆ મોઈત્રાનું રદ કરવામાં આવેલ સભ્ય પદ પુનઃપ્રાપ્ત થશે.