મુંબઈ,
વીલેપાર્લે પોલીસે ૧૫ વર્ષીય કિશોરી સાથે દુષ્કર્મ કરવુ, જીવથી મારી નાખવાની ધમકી આપતી અને તેનો અશ્લીલ વીડિયો બનાવી બ્લેકમેલ કરવાના આરોપમાં ૬ લોકોની ધરપકડ કરી છે. જ્યારે ૩ આરોપીઓ હજી ફરાર છે. ઝડપાયેલ તમામ આરોપીઓની ઉંમર ૧૮થી ૨૦ વર્ષની વચ્ચે છે. તેમજ આરોપીઓમાં એક રાજકીય પાર્ટીનો ૩૦ વર્ષીય યુવા અધ્યક્ષ પણ સામેલ છે.
ઝોન ૮ના ડીસીપી અનિલ કુંભારેના જણાવ્યા મુજબ, પોલીસે આઈપીસીની કલમ-૩૭૬, ૩૬૩ અને પ્રોક્સો એક્ટની કલમ ૪, ૮, ૫૦૯ અંતર્ગત કેસ દાખલ કર્યો છે. પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ, ૧૮ મહિના પહેલા આ આરોપીઓ પૈકીના એકે પીડિતાને પોતાના ઘરે બોલાવી હતી.
જ્યાં પીડિતાને અશ્લીલ ફિલ્મ બતાવીને તેની સાથે શરીર સંબંધ બાંધ્યો હતો. આ સમયે તેણે પોતાના મોબાઈલમાં પીડિતાનો વીડિયો પણ બનાવી લીધો હતો. ત્યારબાદ આ વીડિયો ક્લીપિંગના સહારે તેને બ્લેકમેલ કરી એકબાદ એક ૯ લોકોએ તેની સાથે દુષ્કર્મ આચર્યુ હતું.
વારંવાર આ થઈ રહેલ આ અત્યાચારથી કંટાળી ચાર મહિના પહેલા કિશોરી ઘરેથી ભાગી ગઈ હતી, જાકે થોડા દિવસ બાદ તે પરત ફરી હતી. ૧૫ દિવસ પહેલા આરોપીઓએ ફરી તેની સાથે દુષ્કર્મ આચર્યુ હતું. ત્યારે તેણે પોતાની માતાને આ અંગે જાણ કરી હતી. ત્યારબાદ આ અંગે પોલીસ ફરીયાદ દાખલ થઈ હતી.