Not Set/ મુંબઈની મોડલ એશ્રા પટેલે પોતાના ગામ કાવિઠા ખાતે મતદાન કરી કહ્યું; મારે લોકો માટે ચૂંટણી છે, મારા માટે નહીં!

મતદાન બાદ એશ્રાએ જણાવ્યું હતું કે, હું ચૂંટણી જીતીશ કે હારીશ પરંતુ લોકોના હક માટે લડતી રહીશ. મને લોકોના આશિર્વાદ પ્રાપ્ત થયા છે

Gujarat Gram Panchayat Election 21
એશ્રા પટેલ મતદાન

છોટાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકાના કાવિઠા ગામે મુંબઈની મોડલ એશ્રા પટેલે પણ જંપલાવ્યું છે અને તેણીએ રવિવારે સવારે કાવિઠા ગામની શાળામાં આવેલા બુથ પર જઈ મતદાન કર્યું હતું. મતદાન બાદ એશ્રાએ જણાવ્યું હતું કે, હું ચૂંટણી જીતીશ કે હારીશ પરંતુ લોકોના હક માટે લડતી રહીશ. મને લોકોના આશિર્વાદ પ્રાપ્ત થયા છે અને લોકોએ મારા માટે પૂજા અને પ્રાર્થના પણ કરી છે એટલે મને વિશ્વાસ છે કે ચૂંટણી હું જીતીશ. મારે મારા માટે નહિ પરંતુ અહીંના લોકો માટે ચૂંટણી જીતવી છે.

નોંધનીય છે કે, છોટાઉદેપુરના સંખેડા તાલુકાના કાવીઠા ગામમાં પહેલીવાર સરપંચપદ માટે સામાન્ય મહિલાની બેઠક આવી છે, ત્યારે ચાર મહિલાએ ઉમેદવારી કરી છે, જેમાં મૂળ કાવિઠા ગામની અને મુંબઈમાં મોડેલિંગ કરતી એશ્રાપટેલે પણ સરપંચ માટે ઉમેદવારી ફોર્મ ભર્યું હતું.

એશ્રા પટેલે અત્યાર સુધીમાં તેણે પોંડ્સ, પેંટિન, પ્રોવોગ, એશિયન પેઇંટ્સ, રેમંડ શૂટિંગ્સ જેવી લગભગ 100 કરતાં પણ ઊંચી બ્રાન્ડ્સને પ્રમોટ કરી છે. ‌‌‌‌‌તેણે શાહરુખ ખાન સાથે ફેર એન્ડ હેન્ડસમ અને અમિતાભ બચ્ચન સાથે કેન્સર અવેરનેસ માટે મોડેલિંગ કર્યું છે.

એશ્રા પટેલ કાવિઠા

ચૂંટણી પહેલા પત્રકારો સાથે વાતચીત દરમિયાન એશ્રા પટેલે જણાવ્યું હતું કે, લોકડાઉનમાં માદરેવતન કાવીઠામાં રહેવાનો અનુભવ લીધો અને કેટલાક લોકોને કોરોના થયો, ત્યારે સારવાર માટે પૈસા ન હતા આટલું જ નહીં દવાખાને લઇ જવાવાળું ન હતું. એ લોકોને તો એ પણ ખબર ન હતી કે, કોરોના શું છે, પણ એ લોકો ઝઝૂમી રહ્યા હતા. મને લાગ્યું કે, મારાથી બને તેટલી હું મદદ કરું. ચોમાસામાં એટલો બધો વરસાદ પડ્યો ત્યારે ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા હતા, તો કેટલાકના ઘરમાંથી પાણી ટપકતું હતું, અહીંના મોટાભાગના લોકોને છ મહિના સુધી ઘરે બેસી રહેવું પડે, બધા મજૂરી પર જીવનારા લોકો છે.

ઉલ્લેખનીય છે કે, એશ્રા પટેલના પિતા નરહરિ પટેલ પણ ગામના સરપંચ રહી ચૂક્યા છે, તાલુકા પંચાયતના સભ્ય પણ રહી ચૂક્યા છે તેમજ એપીએમસી બોડેલીના ચેરમેન પણ રહી ચૂક્યા છે. અને માતા મીનાક્ષી પટેલ એક ગૃહિણી છે, જ્યારે તેમના એક ભાઈ અમેરિકામાં સ્થાયી થયા છે.