રાજ્યમાં યુવાધન ડ્રગ્સ રવાડે ચડી રહ્યુ છે. ગુજરાતના જુદા-જુદા શહેરોમાંથી છેલ્લા 5 વર્ષ દરમિયાન કરોડનું ડ્રગ્સ પકડવામાં આવ્યુ છે. ગુજરાત પોલીસ અને નાર્કોટિક્સ સેલના સુત્રો દ્ધારા મળતી માહિતી પ્રમાણે અંદાજે 895 કરોડ રૂપિયાનું ડ્રગ્સ છેલ્લા પાંચ વર્ષ દરમિયાન પકડાયુ છે.
નિર્દેશ આપી આરોપીને પકડવામાં આવ્યા
ગુજરાત નાર્કોટિક્સ સેલના આઇજીપી સુભાષ ત્રિવેદીએ જણાવ્યું હતું કે, ગુજરાતની નાર્કોટિક્સ નોડલ એજન્સી કેન્દ્ર અને રાજ્ય સરકારની અલગ અલગ એજન્સીઓ સાથે મળીને કાર્ય કરે છે. જ્યારે, વર્ષ 1985ના કાયદાઓનો પહેલા અમલ થતો ન હતો. હવે, આ કાયદાઓનો કડક અમલ કરીને જે આરોપીઓ ડ્રગ્સ, ચરસ, ગાંજા અને અન્ય માદક પદાર્થોની હેરાફેરીમાં ઝડપાયા હોય અથવા તો જામીન પર છૂટીને ફરી વખત આવું કૃત્ય કરવાની તૈયારીઓમાં હોય, તેમને રોકવા માટે 61 જેટલા નિર્દેશ કરીને ઝડપી પાડવામાં આવ્યા છે.
1007 કેસ નોંધાયા
વધુમાં તેમણે જણાવ્યુ હતુ કે, છેલ્લા 5 વર્ષમાં કુલ 1007 કેસ નોંધાયા છે. જેમાં 1446 આરોપીઓની ધરપકડ કરીને કાર્યવાહી કરવામાં આવી છે. પકડાયેલા આરોપીઓમાં પાકિસ્તાન અને ઈરાકના નાગરિકો હોવાનું પણ સામે આવ્યું છે. આમ, પાડોશી દેશો દ્વારા પ્રોક્સી વોર થકી ભારતમાં ડ્રગ્સ ઘુસાડવાનો પ્રયત્ન કરવામાં આવે છે. ગુજરાત પાકિસ્તાનના સિંધ-કરાચી પ્રદેશથી નજીક હોવાથી ગુજરાત એટીએસ મરીન પોલીસ, કોસ્ટ ગાર્ડ અને કચ્છ-ભુજ પોલીસ દ્વારા આ રૂટ પર સઘન કામગીરી કરીને રૂટને કન્ટ્રોલ કરવામાં આવી રહ્યો છે.
કયા શહેરમાં કેટલા કેસ નોધાયા
જુદા-જુદા શહેરોમાં નોંધાયેલા કેસ પર નજર નાંખીએ તો અમદાવાદ શહેરમાં 55 કેસ નોંધાયા છે, જ્યારે રાજકોટમાં 50, રાજકોટ ગ્રામ્ય વિસ્તારમાં 37 તો વડોદરા શહેરમાં 32, સુરત શહેર 54, સુરત ગ્રામ્ય 34, બનાસકાંઠા 59, ભાવનગર 39 અને ભરૃચમાં 24 કેસ નોંધાયા હતા.