નવી દિલ્હી,
કેન્દ્રની મોદી સરકારમાં નેશનલ સિક્યોરિટી એડવાઇઝર અજિત ડોભાલ હવે દેશના સૌથી તાકાતવર અધિકારીઓમાં આવી ગયા છે. દેશભરમાં જેમ્સ બોન્ડના નામે ઓળખાતા અજિત ડોભાલને હવે સ્ટ્રેટેજિક પોલિસી ગ્રુપ (SPG)ના સચિવ બનાવવામાં આવ્યા છે.
SPG ગ્રુપનું ગઠન ૧૯૯૯માં કરવામાં આવ્યું હતું, જેનો મુખ્ય હેતુ આંતરિક, આર્થિક અને બહારની સુરક્ષાની મામલાઓમાં નેશનલ સિક્યોરિટી કાઉન્સિલની મદદ કરવાનો છે. જે સમયે આ ગ્રુપનું ગઠન કરવામાં આવ્યું હતું, ત્યારે કહેવામાં આવ્યું હતું કે, આ ગ્રુપમાં કેબિનેટ સચિવ જ તેના પ્રમુખની ભૂમિકામાં રહેશે.
આ પહેલા ૧૧ સપ્ટેમ્બરના રોજ અજિત ડોભાલની નિમણુંક અંગેનું નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું હતું, ત્યારે હવે ૮ ઓક્ટોબરના રોજ ઓપચારિક રીતે તેઓના નામની ઘોષણા કરવામાં આવી છે.
આ સાથે જ SPGની બોડીમાં કેટલાક ફેરફાર કરવામાં આવ્યા છે. આ SPG ગ્રુપમાં હવે ૧૮ સભ્યોની ટીમ કરવામાં છે, જે આ પહેલા ૧૬ હતી. SPGમાં વધારવામાં આવેલા બે સભ્યોમાં નીતિ આયોગના ચેરમેન અને કેબિનેટ સચિવ હશે.
મોદી સરકાર દ્વારા એક પેનલનું ગઠન કરવામાં આવ્યું છે, જેનું નેતૃત્વ અજિત ડોભાલ કરશે. આ પેનલમાં NSA અજિત ડોભાલ ઉપરાંત નીતિ આયોગના વાઈસ-ચેરમેન, કેબિનેટ સચિવ, ત્રણ સેનાના પ્રમુખ, RBI ગવર્નર, વિદેશ સચિવ, ગૃહ સચિવ અને રક્ષા સચિવ શામેલ હશે.