નવી દિલ્હી,
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ અને કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધી એક જ દિવસે ઉત્તર પ્રદેશના પ્રવાસે જશે. 4 જુલાઈના રોજ રાહુલ ગાંધી 2 દિવસ માટે અમેઠીમાં રહેશે. જયારે અમિત શાહ 1 દિવસમાં આગ્રા, વારાણસી અને મિરઝાપુરની મુલાકાત કરશે.
બંને પાર્ટીના અધ્યક્ષની આ યુપી મુલાકાતને 2019ની ચુંટણી તૈયારીઓના ભાગરૂપે જોવામાં આવી રહી છે. જણાવી દઈએ કે 6 દિવસ પહેલા 28 જુને પ્રધાનમંત્રી મોદીએ સંત કબીર નગરમાં રેલી કરી હતી.
રાહુલ ગાંધી અમેઠીમાં એક મુસ્લિમ ખેડૂત પરિવાર સાથે મુલાકાત કરશે. જેનું થોડા દિવસ પહેલા સરકારી ખરીદ કેન્દ્રમાં પોતાનો નંબર આવવાની રાહ જોતા મૃત્યુ થયું હતું. કોંગ્રેસના એમએલસી દીપક સિંહનું કહેવાનું છે કે આ ખેડૂતના ઘરે ભાજપના કોઈ પણ નેતા ગયા નથી. રાહુલ પાર્ટી કાર્યકર્તાઓ સાથે બેઠક પણ કરશે.
ભાજપ આઈટી વિભાગના પ્રદેશ પ્રમુખ સંજય રાયે કહ્યું કે શાહ વારાણસીમાં પાર્ટીના સોશિયલ મિડિયા સંમેલનમાં સંબોધન કરશે. આ ઉપરાંત તેઓ કાશી, ગોરખપુર અને અવધ વિસ્તારના લોકસભા પ્રભારી સાથે બેઠક કરશે.