સદીના મહાનાયક અમિતાભ બચ્ચને જાહેર કર્યું છે કે ઉત્તર પ્રદેશના 850 ખેડૂતોની લોન તેઓ ચુકવશે. ઉપરાંત એમણે જણાવ્યું કે, ભૂતકાળમાં તેમણે મહારાષ્ટ્રના 350 ખેડૂતોને લોન ચુકવવામાં મદદ કરી હતી.
અમિતાભ બચ્ચને એમના બ્લોગ પર જણાવ્યું કે, થોડા દિવસો પહેલા, મહારાષ્ટ્રના 350 ખેડૂતો કે જેમને લોન ભરવામાં મુશ્કેલી આવતી હતી અને તેઓ આત્મહત્યા ન કરે એ માટે, એમની લોન ચૂકવી દેવામાં આવી હતી. એ પહેલા આંધ્ર પ્રદેશ એને વિદર્ભના ખેડૂતોની લોન પણ ચુકવવામાં આવી હતી. હવે ઉત્તર પ્રદેશના 850 ખેડૂતોને ઓળખી કાઢવામાં આવ્યા છે, અને એમની રૂપિયા 5.5 કરોડની લોન પણ ચૂકવી દેવામાં આવશે.
આ ઉપરાંત અભિનેતાએ જણાવ્યું કે, કેબીસી કર્મવીર પર આવેલા અજિત સિંહને પણ મદદ કરવામાં આવશે. જણાવી દઈએ કે, અજિત સિંહ છોકરીઓ તેમજ યુવતીઓને ગણિકાવૃત્તિમાં ધકેલાવાથી રોકે છે, તેમજ યુવતીઓનું અપહરણ કરી એમને આવા કાળા ધંધામાં ધકેલાતા લોકો પાસેથી છોડાવવાનું કામ કરે છે.