સાપો પર બનેલી કાલ્પનિક ફિલ્મોમાં આપે જોયું હશે કે સાપે ડંખ માર્યા બાદ લોકો ઈલાજ કરાવવાના બદલે તંત્ર-મંત્ર વગેરેમાં લાગી જાય છે. પૂજા હવન દ્વારા એવી આશા રાખે છે કે સાપ હવે લોકોથી દૂર રહેશે. હકીકતમાં આવો જ મામલો આંધ્ર પ્રદેશના દિવીસીમાંથી, જ્યાં લગભગ 100 લોકોને સાપે ડંખ મારવાના કારણે હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા છે, જયારે બે લોકોના મૃત્યુ થયા છે. હેરાન કરતી વાત એ છે કે આંધ્ર પ્રદેશ સરકારના વિભાગ તરફથી લોકોને એન્ટી વેનમ આપવા તેમજ સાપે ડંખ માર્યાના તરત બાદ શું કરવું જોઈએ વગેરે બાબતો જણાવવાના બદલે યજ્ઞ કરવાનું આયોજન કરવામાં આવી રહ્યું છે.
આંધ્ર પ્રદેશના કૃષ્ણા જિલ્લામાં આવેલા દિવીસીમાં ગામમાં સાપ દ્વારા ડંખ મારવાના કારણે બે લોકોના મૃત્યુ થયા છે, જયારે 100 ગ્રામજનોને હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા છે. આ તમામ ઘટનાઓને જોતા આંધ્ર પ્રદેશ સરકારના એક વિભાગ તરફથી 29 ઓગસ્ટે મોપીદેવી સ્થિત શ્રી સુબ્રહ્મન્યેશ્વર સ્વામી મંદિરમાં સર્પ શાંતિ યજ્ઞનું આયોજન કરાવવા જઈ રહ્યા છે.
એન્ટી વેનમની ઉપલબ્ધતા ચકાસવા અને સાંપોને આવાસીય ક્ષેત્રોથી દૂર રાખવા માટે અભિયાન ચલાવવાના બદલે કૃષ્ણા જિલ્લાના અધિકારીઓએ નક્કી કર્યું છે કે તેઓ યજ્ઞ કરાવશે. કૃષ્ણા જિલ્લાના ડીએમ અને મેજિસ્ટ્રેટ બી. લક્ષ્મીકાંતમે કહ્યું કે સ્થાનિક લોકો સાથે જ એન્ડોવમેન્ટ વિભાગ સર્પ યજ્ઞનું આયોજન કરી રહ્યું છે. આનાથી લોકોનું મનોબળ વધશે. એમણે આગળ જણાવ્યું કે અવનીગડ્ડામાં એક શખ્સનું મૃત્યુ થયુ છે, જયારે એક અન્ય શખ્સે ગનનવરમમાં સાપે ડંખ મારવાથી દમ તોડી દીધો છે. જુલાઈ મહિના સુધીમાં લગભગ 100 લોકોને સાપ દ્વારા ડંખ મારવાની ઘટના સામે આવી છે. વિવિધ પગલાંઓના કારણે હવે આ કિસ્સાઓમાં ઘટાડો થયો છે.
એન્ડોવમેન્ટ વિભાગના આસિસ્ટન્ટ કમિશ્નર અને શ્રી સુબ્રહ્મન્યેશ્વર સ્વામી મંદિરના એક્ઝિક્યુટિવ ઓફિસર એમ શારદાએ જણાવ્યું કે સરકાર દ્વારા સ્પોન્સર્ડ યજ્ઞ લગભગ 15 પુજારીઓ દ્વારા કરાવવામાં આવશે. આ દરમિયાન સર્પ સુક્તમ મંત્રનો જાપ કરવામાં આવશે.