ભોપાલ,
ચાલુ વર્ષના અંતે મધ્યપ્રદેશમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણીને લઈ રાજકીય પાર્ટીઓ દ્વારા રણશિંગું ફૂકી દેવામાં આવ્યું છે, ત્યારે હવે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીએ પણ આ મેદાનમાં ઝંપલાવ્યું છે. જો કે મધ્યપ્રદેશની ચૂંટણીના મેદાનમાં આવવાની સાથે જ કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધી ચારેબાજુથી ઘેરાઈ ગયા છે.
હકીકતમાં, રાહુલ ગાંધી દ્વારા પનામા પેપર મામલે MPના મુખ્યમંત્રી શિવરાજ સિંહ અને તેઓના પુત્ર પર નિશાન સાધ્યું હતુ. ત્યારબાદ હવે મુખ્યમંત્રી શિવરાજ સિંહના પુત્ર કાર્તિકેય દ્વારા કોંગ્રેસ અધ્યક્ષ વિરુધ માનહાનિનો કેસ દાખલ કર્યો છે.
જો કે રાહુલ ગાંધી દ્વારા આ મામલે પોતાની ભૂલ માનવામાં આવી છે, પરંતુ કોંગ્રેસ અધ્યક્ષના આ યુ-ટર્ન અંગે શિવરાજ સિંહે પલટવાર કરતા કહ્યું હતું કે, “આ પ્રકારના આરોપ કોઈ જુનિયર નેતા દ્વારા લગાવવામાં આવ્યા હોત તો વાત અલગ હોત, પરંતુ કોંગ્રેસ અધ્યક્ષ દ્વારા પોતે જ આ પ્રકારના આરોપ લગાવવામાં આવી રહ્યા છે તે દુર્ભાગ્યપૂર્ણ છે”.
સોમવારે રાહુલ ગાંધીએ સાધ્યું હતું નિશાન
અત્રે ઉલ્લેખનીય છે કે, સોમવારે વિધાનસભા ચૂંટણીના પ્રચાર અર્થે રાહુલ ગાંધી ઝાબુઆ પહોંચ્યા હતા. આ દરમિયાન એક સભાને સંબોધતા તેઓએ કહ્યું હતું કે, “શિવરાજ સિંહ ચૌહાણના પુત્રનું નામ પનામા પેપર્સમાં સામે આવ્યું હતું પરંતુ કોઈ એક્શન લેવામાં આવી ન હતી”.
જો કે આ નિવેદન અંગે કોંગ્રેસ અધ્યક્ષ દ્વારા પોતાની ભૂલ માની લેવામાં આવી છે. પોતાની ભૂલ માન્ય બાદ તેઓએ કહ્યું હતું કે, મધ્યપ્રદેશના CMએ પનામા નથી કર્યું, પરંતુ તેઓએ ઈ-ટેન્ડરિંગ અને વ્યાપમ ગોટાળો કર્યો છે.