જમ્મુ,
દેશભરમાં અતિ પવિત્ર મનાતી એવી બાબા બર્ફાનીની અમરનાથની યાત્રા બુધવારથી શરુ થઇ ગઈ છે. બુધવાર સવારે સુરક્ષાના પુખ્ત બંદોબસ્ત વચ્ચે યાત્રીઓનું પ્રથમ ગ્રુપ બાલટાલ અને પહલગામથી રવાના થયું હતું. ભગવાન ભોલેના શ્રદ્ધાળુઓના પહેલા ગ્રુપમાં ૧૯૦૪ યાત્રીઓ છે , જેમાં ૧૫૫૪ પુરુષ, ૩૨૦ મહિલાઓ અને ૨૦ બાળકો શામેલ છે.
https://twitter.com/ani_digital/status/1011720423384313856
બાબા બર્ફાનીની આ પવિત્ર અમરનાથની યાત્રા આગામી ૪૦ દિવસ સુધી ચાલશે અને ૨૬ ઓગસ્ટના રોજ સમાપ્ત થશે.
બુધવાર સવારે જમ્મુ-કાશ્મીરના મુખ્ય સચિવ બી વી આર સુબ્રમણ્યમ, જમ્મુ-કાશ્મીરના રાજ્યપાલના બે સલાહકાર વિજય કુમાર અને બી બી વ્યાસે યાત્રીઓની પ્રથમ ટુકડીને લીલી ઝંડી બતાવી રવાના કરી હતી.
આ દરમિયાન જમ્મુ-કાશ્મીરના રાજ્યપાલના સલાહકાર વિજય કુમારે જણાવ્યું, “અમરનાથ યાત્રા તમામ માટે ખુબ મહત્વપૂર્ણ હોય છે. લોકોના સહયોગથી, તમામ સુરક્ષા એજન્સીઓ તેમજ ડેવલોપમેન્ટ એજન્સીઓ સાથે મળીને અમારા દ્વારા સુરક્ષાને લઇ એક યોજના બનાવવામાં આવી છે.
સુરક્ષા માટે કરાશે આધુનિક ટેકનિક અને ગાડીઓનો ઉપયોગ
https://twitter.com/ANI/status/1011765123516698625
જમ્મુ-કાશ્મીરના આઈજીએ અમરનાથ યાત્રાની સુરક્ષા અંગે જણાવ્યું, “અમારા દ્વારા સુરક્ષાનો પુખ્તા બંદોબસ્ત કરવામાં આવ્યો છે. અમે આધુનિક ટેકનિક અને ગાડીઓનો ઉપયોગ કરી રહ્યા છે, સાથે સાથે ગત વર્ષના મુકાબલામાં આ વર્ષે સુરક્ષા વધારવામાં આવી છે.
અમરનાથ યાત્રા માટે ૨ લાખ યાત્રીઓએ કરાવ્યું રજીસ્ટ્રેશન
સુરક્ષા અધિકારીઓએ જણાવ્યું, “અત્યારસુધીમાં ૨.૧ લાખ યાત્રીઓએ આ પવિત્ર યાત્રા માટે રજીસ્ટ્રેશન કરાવ્યું છે. બીજી બાજુ પ્રથમવાર અમરનાથ જવાવાળા વાહનોમાં રેડિયો ફ્રિકવન્સી ટેગનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ સાથે CRPFની મોટરસાઈકલો પણ સક્રિય રહેશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, છેલ્લા કેટલાક સમયથી જમ્મુ-કાશ્મીરમાં આતંકી ઘટનાઓમાં સતત વધારો થયો છે તેમજ આ પવિત્ર યાત્રા માટે પણ પહેલેથી જ હાઈ એલર્ટ જોવા મળ્યું હતું ત્યારે સુરક્ષાના તમામ બંદોબસ્ત કરાયા છે.
અમરનાથની યાત્રા માટે દેશભરમાંથી ૩૨ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી ૨ લાખથી વધુ યાત્રીઓએ પંજાબ નેશનલ બેંક, જે એન્ડ કે બેંક અને યસ બેન્કની ૪૪૦ નિર્ધારિત શાખાઓમાં રજીસ્ટ્રેશન કરાયું છે.
બુધવાર સવારે સુરક્ષાના પુખ્ત બંદોબસ્ત વચ્ચે રવાના થયેલું યાત્રીઓનું પ્રથમ ગ્રુપ પહેલા દિવસે કાશ્મીરના ગાંદેરબાલ સ્થિત બાલટાલ અને અનંતનાગ સ્થિત નુનવાન, પહેલગામ આધાર શિબિર પહોચશે. ત્યારબાદ યાત્રીઓ બીજા દિવસે ૩૮૮૦ મીટરની ઉંચાઈ પર સ્થિત ગુફા મંદિર માટે રવાના થશે અને આ સાથે જ આ પવિત્ર યાત્રા શરુ થશે.