બજાજ ઓટો દેશના સૌથી લોકપ્રિય સ્કૂટર હોન્ડા એક્ટિવાને ટક્કર આપવાના મૂડમાં છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ બજાજ ચેતક સ્કૂટરને ભારતમાં ફરી પાછું લાવવાની તૈયારીમાં છે. જણાવી દઈએ કે ચેતક સ્કૂટરનું 1972 થી લઈને 2006 સુધી રાજ રહ્યું હતું. જોકે, બાદમાં એને અપડેટ ન કરાતા વેચાણ પર અસર પડી હતી. ત્યારબાદ કંપનીએ ચેતક સ્કૂટર બનાવવાનું બંધ કર્યું હતું.
બજાજ ચેતકનું નામ મહારાણા પ્રતાપના ઘોડા ચેતક પરથી રાખવામાં આવ્યું હતું. અફોર્ડેબલ પ્રાઈઝ રેન્જમાં આવતા આ સ્કૂટરને પ્રેમથી હમારા બજાજ પણ કહેવામાં આવતું હતું. એક વેબસાઈટ પર નવા બજાજ સ્કૂટરની ઇમેજ પણ લીક થઇ છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે આ નવા ચેતકની તસવીરો છે. રિપોર્ટનું માનવામાં આવે તો નવા બજાજ સ્કૂટરની કિંમત 70,000 રૂપિયા હોય શકે છે. આ સાથે ચેતકનું ઇલેક્ટ્રિક વર્ઝન પણ ભારતીય બજારમાં લોન્ચ થઇ શકે છે. એનું નામ ચેતક ચિક રાખવામાં આવશે.
બજાજ ઓટો એક સમયે સ્કૂટર સેગ્મેન્ટની બાદશાહ કંપની હતી. આ સેગમેન્ટમાં આનો 50 ટકાથી પણ વધારે માર્કેટ શેર હતો. હાલ એવું નથી. હાલમાં બજાજ સ્કૂટર સેગ્મેન્ટનો માર્કેટ શેર 15 ટકા છે.
2019 બજાજ ચેતકનો નવો અવતાર પ્રીમિયમ હોઈ શકે છે. આનો મુકાબલો હોન્ડા એક્ટિવા, વેસ્પા અને અપ્રીલિયા એસઆર150ના ટોપ વેરિયંટ સાથે થઇ શકે છે.
નવા બજાજ ચેતકમાં આરામદાયક રાઇડિંગ પોઝિશન, અંડર સીટ સ્ટોરેજ, અપરાઈડ હેન્ડલબાર, વાઈડ ફુટ પેગ્સ અને બ્લૂટૂથ કનેક્ટિવિટી અને ડિજિટલ કન્સોલ આપવામાં આવશે.
રિપોર્ટમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે નવા બજાજ ચેતકમાં યુએસબી ચાર્જિંગ પોઇન્ટ, સીબીએસ બ્રેક્સ, ફ્યુઅલ ટેન્ક અને ઓવલ શેપ હેડલેમ્પસ હશે. પ્રીમિયમ અપીલ માટે ક્રોમનો ઉપયોગ કરવામાં આવશે. બજાજ ચેતકના નવા મોડલમાં 125cc એર કૂલ્ડ એન્જીન આપવામાં આવશે.