દિલ્હી,
ઉત્તર ભારતમાં ગત સપ્તાહમાં ત્રાટકેલા વાવાઝોડા અને તોફાને લોકોને ભારે પરેશાન કર્યા હતા. હવે આ વાવાઝોડુ અને તોફાન ફરી રવિવારે ઉત્તર ભારતના ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ, હિમાચલ પ્રદેશ અને જમ્મુ – કાશ્મીરમાં ત્રાટકી શકે છે.
હવામાન ખાતા (IMD) દ્વારા શનિવારે આ અંગેની જાહેરાત કરવામાં આવી હતી. હવામાન વિભાગના જણાવ્યા મુજબ, આગામી બે દિવસમાં રાજસ્થાનના ઘણા વિસ્તારોમાં ધૂળના વાવાઝોડા આવી શકે છે. પહાડી રાજ્યોમાં આવતા વાવાઝોડા મેદાનો પર પણ અસર કરી શકે છે.
હવામાન ખાતાએ જણાવ્યું હતું કે, “નવા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ (પશ્ચિમી વિક્ષેપ)ના કારણે આ વાવાઝોડું કે આંધી તોફાન રવિવારે આવી શકે છે. આ વાવાઝોડું દરિયામાં થતા વેસ્ટર્ન ડિસ્ટરબન્સથી ઉદભવે છે જેના પરિણામે દેશના ઉત્તર-પૂર્વ ભાગોમાં અચાનક વરસાદ આવે છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ, તોફાન સાથે વાવાઝોડુ પણ આવી શકે છે.
ઉત્તર પૂર્વ રાજ્યોમાં ૫૦-૭૦ કિ.મી.ની ગતિથી ફૂંકાઈ શકે છે પવન
આ સમયગાળા દરમિયાન દેશના ઉત્તર-પૂર્વ વિભાગના રાજ્યો જેવા કે, ઉત્તરપ્રદેશ, આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, પશ્ચિમ બંગાળ, ઓડિશા અને ઝારખંડના પડોશી વિસ્તારોમાં ૫૦-૭૦ કિ.મી.ની ગતિથી પવન ફૂંકાઈ શકે છે.
આ રાજ્યોમાં આવી શકે છે વરસાદ
ડિપાર્ટમેન્ટની એડવાઇઝરીએ જણાવ્યું છે કે, દેશના દિલ્હી, પશ્ચિમ ઉત્તર પ્રદેશ, પંજાબ, હરિયાણા, ચંદીગઢ, છત્તીસગઢ, બિહાર, તેલંગણા, ઉત્તર આંધ્રપ્રદેશ, દક્ષિણ કર્ણાટક, તમિલનાડુ, પુડુચેરી, લક્ષદ્વીપ અને કેરળના દૂરના વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના છે.
આ વિસ્તારોમાં ફૂંકાઈ શકે છે લૂના વાયરા
હવામાન વિભાગના જણાવ્યા મુજબ, દેશના રાજસ્થાન, પશ્ચિમ મધ્યપ્રદેશ અને વિદર્ભના એકાદ બે સ્થળોએ લૂના વાયરા ફૂંકાઈ તેવી સંભાવના છે.
અગાઉ ૧૫૦ થી વધુ લોકોના થયા હતા મોત
મહત્વનું છે કે, મે મહિનાના પ્રથમ સપ્તાહમાં આવેલા વાવાઝોડા, વરસાદ અને આંધીના તૂફાનના કારણે ઉત્તર ભારતના ઘણા રાજ્યોમાં ૧૫૦થી વધુ લોકોનું મૃત્યુ થયા હતા અને ભારે નુકશાન થયું હતું.