નવી દિલ્હી,
છેલ્લા કેટલાક દિવસથી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં થઇ રહેલા સતત ભાવવધારાના કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠયા છે. બીજી બાજુ વિપક્ષી પાર્ટીઓ દ્વારા પણ વર્તમાન મોદી સરકાર પર સતત નિશાન સાધવામાં આવી રહ્યું છે, ત્યારે સોમવારે કોંગ્રેસ દ્વારા દેશભરમાં ભારત બંધનું એલાન કરવામાં આવ્યું છે.
કૈલાશ માનસરોવરની યાત્રા સમાપ્ત કર્યા બાદ આ વિરોધ પ્રદર્શનમાં કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધી પણ જોડાયા છે. રાજધાની દિલ્હી સ્થિત રામલીલા મેદાનમાં કોંગ્રેસ દ્વારા ધરણા કરવામાં આવી રહ્યા છે. આ દરમિયાન ત્યાં ઉપસ્થિત કાર્યકર્તાઓને સંબોધતા ભાજપ સરકાર અને પીએમ મોદી પર હુમલો બોલ્યો છે.
પેટ્રોલના ૮૦, ગેસના ૮૦૦ થયા , કઈ દુનિયામાં છે PM : રાહુલ ગાંધી
રામલીલા મેળા ખાતે ધરણા પએ બેઠેલા રાહુલ ગાંધીએ મોદી સરકાર પર હુમલો બોલતા જણાવ્યું, :
ભાજપ સરકારે પોતાના વાયદાઓ પુરા કર્યા નથી.
આજે પેટ્રોલનો ભાવ ૮૦ને પાર અને ડીઝલ ૮૦ની નજીક પહોચ્યું છે. આજે LPGનો ભાવ પણ ૮૦૦ રૂપિયા સુધી પહોચ્યો છે, પરંતુ પીએમ મોદી કઈ દુનિયામાં છે.
આ પહેલા તો વડાપ્રધાન દેશમાં ઘૂમી ઘુમીને કહેતા હતા કે, પેટ્રોલના ભાવ આસમાને પહોચી રહ્યા છે, પરંતુ આજે તેઓ પાસે એક પણ શબ્દ નથી.
બળાત્કાર જેવી ઘટનાઓમાં ભાજપના ધારાસભ્યો શામેલ થાય છે, પરંતુ પ્રધાનમંત્રી ચુપ જ રહે છે.
GSTથી લઈ રાફેલ ફાઈટર પ્લેનની ડીલ અંગે મોદીજીએ એક પણ નિવેદન આપ્યું નથી. ખબર નથી કે, પીએમ મોદી કઈ દુનિયામાં છે.
સરકાર બદલવાનો સમય આવી ગયો છે : મનમોહન સિંહ
આ પહેલા પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહે પણ મોદી સરકાર પર હુમલો બોલતા કહ્યું કે, તમામ વિપક્ષી દળોએ એક થવું પડશે, નાના મુદ્દાઓ ને ભૂલીને લોકોનો અવાજ ઉઠાવવો પડશે.”
તેઓએ વધુમાં કહ્યું, “સરકાર બદલવાનો સમય આવી ગયો છે, કારણ કે મોદી સરકાર તમામ મોરચો પર ફેલ રહી છે”.
મહત્વનું છે કે, દેશભરમાં ભારત બંધને લઈ ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે.
કેટલાક વિસ્તારોમાં રસ્તા પર ચક્કાજામ, આગજની તેમજ રેલ્વે રોકીને પ્રદર્શન કરાઈ રહ્યું છે.
દેશની ૨૧ વિપક્ષી પાર્ટીઓ દ્વારા કરાયું બંધને સમર્થન
કોંગ્રસ દ્વારા બોલાવવામાં આવેલા ભારત બંધને દેશની ૨૦ થી વધુ વિપક્ષી પાર્ટીઓ દ્વારા સમર્થન આપવામાં આવ્યું છે.
આ દરમિયાન દેશના અલગ અલગ રાજ્યોમાં આ પાર્ટીઓના કાર્યકતાઓ દ્વારા વિરોધ પ્રદર્શન કરીને મોદી સરકાર વિરુધ પોતાનો રોષ વ્યક્ત કરી રહ્યા છે.