મુજફ્ફરપુર,
બિહારમાં કાયદો અને વ્યવસ્થાને શર્મસાર કરતી વધુ એક ઘટના સામે આવી છે, જ્યાં મુજફ્ફરપુર જિલ્લામાં એક મહિલા કેદી પર સામુહિક દુષ્કર્મ થયો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, મુજફ્ફરપુરમાં આવેલી શ્રીકૃષ્ણ મેડિકલ કોલેજમાં હોસ્પિટલમાં ભર્તી કરાયેલા એક મહિલા સાથે આ સામુહિક દુષ્કર્મની ઘટના પ્રકાશમાં આવી છે. જો કે ત્યારબાદ પોલીસ દ્વારા આ મામલે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.
મુજફ્ફરપુરના SP મનોજ કુમારે જણાવ્યું હતું કે, “પાડોશી જિલ્લા સીતામઢીની જેલમાં કેદ એક મહિલા બીમાર પડ્યા બાદ તેઓને સારવાર માટે ૧૧ નવેમ્બરના રોજ શ્રીકૃષ્ણ મેડિકલ કોલેજમાં હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા અને ત્યારબાદ ૨૨ નવેમ્બરે હોસ્પિટલમાંથી મુક્ત કરાયા હતા.
તેઓએ વધુમાં જણાવતા કહ્યું, “સીતામઢી જેલમાં પાછા લાવ્યા બાદ મહિલાએ સારવાર દરમિયાન ૧૪ નવેમ્બરના રોજ રાત્રે હોસ્પિટલના શૌચાલયમાં બે લોકો – શૈલેશ કુમાર અને છોટ લાલ દ્વારા તેઓ સાથે દુષ્કર્મ કરાયા હોવાનો આરોપ લગાવ્યો હતો.
બીજી બાજુ આ ઘટના બાદ હવે રાજકારણમાં પણ ગરમાવો જોવા મળી રહ્યો છે. RJD સુપ્રીમો અને પૂર્વ મુખ્યમંત્રી લાલુપ્રસાદ યાદવે આ મામલે નીતિશ કુમાર પણ હુમલો બોલ્યો છે અને આ અંગે તેઓના મૌનને એક ગુનો ગણાવ્યો છે.
આ ઉપરાંત લાલુપ્રસાદ યાદવના પુત્ર તેજસ્વી યાદવે પણ ટ્વિટ કરતા કહ્યું, “એક મહિલા કેદી સાથે નીતિશજી ના બે પોલીસકર્મીઓએ રેપ કર્યો છે. હવે બિહારમાં પોલીસકર્મીઓ પણ બળાત્કાર કરી રહ્યા છે. શું આ જ છે નીતિશ જીનું રાક્ષસી શાસન”