પટના,
નીતીશ કુમાર માટે કોંગ્રેસનું વલણ ખુબ નરમ લાગી રહ્યું છે. કોંગ્રેસે કહ્યું છે કે બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમાર જો ભાજપ સાથેનું ગઠબંધન છોડવાનો ફેસલો કરે છે તો એમને મહાગઠબંધનમાં પાછા લેવા માટે સહયોગી દળો સાથે વિચાર કરવામાં આવશે. કોંગ્રેસનું આ નિવેદન એ સમયે આવ્યું છે જયારે હાલના દિવસોમાં આવનારી લોકસભા ચુંટણીના સંદર્ભમાં જેડીયુ અને ભાજપ દ્વારા વિરોધાભાસી નિવેદનો આપવામાં આવ્યા છે. જેના કારણે એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે બંને પાર્ટીઓ વચ્ચે બધું બરાબર નથી.
કોંગ્રેસ બિહારના પ્રભારી શક્તિ સિંહ ગોહિલે રામવિલાસ પાસવાન અને ઉપેન્દ્ર કુશવાહાનો ઉલ્લેખ કરતા એવો દાવો કર્યો છે કે બિહારમાં સામાન્ય ધારણા બની ચુકી છે કે નરેન્દ્ર મોદી સરકાર પછાત અને અતી પછાત વર્ગોની વિરુદ્ધ છે. આ સંજોગોમાં પછાત વર્ગોની રાજનીતિ કરવાવાળા પાસે ભાજપનો સાથ છોડવા સિવાય બીજો કોઈ વિકલ્પ નથી. એમણે એ પણ જણાવ્યું કે ભાજપ વિરુદ્ધ રાષ્ટ્રીય સ્તર પર બનવાવાળા ગઠબંધનનું નેતૃત્વ સ્વાભાવિકપણે કોંગ્રેસ પાસે જ રહેશે, અને આવનારી લોકસભા ચુંટણીમાં દેશની જનતા રાહુલ ગાંધીના નેતૃત્વમાં નરેન્દ્ર મોદીને હરાવશે.
કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા ગોહિલે કહ્યુ કે હાલમાં નીતીશ કુમાર ફાંસીવાદી ભાજપ સાથે છે. અમને ખબર નથી કે એમની શું મજબૂરી હતી કે તેઓ એમની સાથે ગયા. બંનેનો સાથ કજોડા જેવો છે. જયારે ગોહિલને પૂછવામાં આવ્યું કે નીતીશ મહાગઠબંધનમાં પાછા ફરવાનું મન બનાવે છે તો કોંગ્રેસનું વલણ કેવું હશે?, એમણે કહ્યું કે જો આવી કોઈ સંભાવના બને છે તો અમે સહયોગી દળો સાથે વિચાર વિમર્શ કરીશું.
મહત્વનું છે કે કેટલાક મહિના પહેલા બિહારમાં કેટલીક જગ્યાઓ પર સાંપ્રદાયિક હિંસાનો હવાલો દેતા તેજસ્વી યાદવે કહ્યું હતું કે નીતીશ માટે મહાગઠબંધનના દરવાજા બંધ થઇ ચુક્યા છે.
ગોહિલે કહ્યુકે બિહારમાં સ્પષ્ટ સંદેશ છે કે નરેન્દ્ર મોદીના નેતૃત્વ વાળી ભાજપ સરકાર પછાત અને અતિ પછાતની વિરુદ્ધમાં છે. એવામાં જેમને પછાત વર્ગની રાજનીતિ કરવી છે એમણે અલગ થવું પડશે, નહિ તો ભાજપ સાથે તેઓ પણ ડૂબી જશે.
ભાજપ વિરુદ્ધ રાષ્ટ્રીય સ્તર પર બની રહેલા મહાગઠબંધનને રાષ્ટ્રહિત માટેની જરૂરિયાત બતાવતા ગોહિલે કહ્યું કે આમાં સ્વાભાવિક રીતે કોંગ્રેસનું જ નેતૃત્વ હશે. એમણે કહ્યું કે કોંગ્રેસ સૌથી મોટી વિપક્ષી પાર્ટી છે. અમારું નેતૃત્વ હોવું સ્વાભાવિક છે. અમારો ઈતિહાસ રહ્યો છે કે અમે અહંકાર સાથે નથી ચાલતા, અમે સહયોગીઓ સાથે મળીને ચાલીએ છીએ.