ટીમ ઇન્ડિયાના ઝડપી બોલર મોહમ્મદ શમીની પત્ની હસીન ઝહાંએ રાજકારણમાં એન્ટ્રી લઈ લીધી છે. હસીન ઝહાં કોંગ્રેસ પાર્ટી સાથે જાડાઈ ગઈ છે. હસીન ઝહાં ભૂતપૂર્વ મોડેલ અને આઈપીએલ ક્રિકેટ સ્પર્ધાની ભૂતપૂર્વ ચીયરગર્લ પણ રહી ચુકી છે. અને તેને મોહમ્મદ શમીથી એક સંતાન તરીકે પુત્રી પણ છે.
હસીન ઝહાં મુંબઈમાં મુંબઈ પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ સંજય નિરુપમની હાજરીમાં કોંગ્રેસ પાર્ટીમાં સામેલ થઈ છે. એક ખાસ કાર્યક્રમમાં હસીન ઝહાંને કોંગ્રેસનો ખેસ પહેરાવીને તેનુ કોંગ્રેસમાં સ્વાગત કરવામાં આવ્યુ હતું.
મહત્વનુ છે કે હસીન ઝહાંએ ચાલુ વર્ષની શરુઆતમાં તેના પતિ ક્રિકેટર મોહમ્મદ શમી પર ઘરેલુ હિંસા અને અનેક લગ્નેતર સંબંધો હોવાનો આરોપ મુક્યો હતો. જ્યારબાદ તે ખૂબ જ ચર્ચામાં રહી હતી. આ ઉપરાંત બાદમાં હસીન ઝહાંએ મોહમ્મદ શમી પર મેચ ફિક્સિંગનો પણ આરોપ લગાવ્યો હતો.
હસીને એ પણ કહ્યુ હતું કે શમીના એક પાકિસ્તાની છોકરી સાથે સંબંધ છે, જે તેને પૈસા આપે છે. મામલાની તપાસ ચાલી રહી છે પરંતુ મેચ ફિક્સિંગના આરોપોમાં બીસીસીઆઈએ મોહમ્મદ શમીને નિર્દોષ જાહેર કર્યો છે. નિર્દોષ હોવાનુ પુરવાર થયા બાદ શમીને ભારતીય ટીમમાં નવો કોન્ટ્રાક્ટ સોંપવામાં આવ્યો હતો. એક પ્રોફેશનલ મોડલ અને કોલકત્તા નાઈટ રાઈડર્સની પૂર્વ ચીયરલીડર હસીન ઝહાંએ 2014માં શમી સાથે લગ્ન કર્યા બાદ મોડલિંગ છોડી દીધુ હતું.