મધ્ય પ્રદેશમાં ચૂંટણી નજીક છે, પરંતુ રાજ્યના દિગ્ગજ નેતા અને રાજ્યસભાના સાંસદ દિગ્વિજય સિંહ ગાયબ છે. તેઓ ના તો કોંગ્રેસની રેલીઓમાં દેખાઈ રહ્યા છે, કે ના તો રાહુલ ગાંધીની આસપાસ જોવા મળી રહ્યા છે.
જોકે, આ બાબતે દિગ્વિજય સિંહે ખુલાસો કરતા કહ્યું કે, મારા ભાષણ અને પ્રચાર-પ્રસારથી કોંગ્રેસના વોટ કપાય છે, તેથી કાર્યકર્તાઓ એમનું નામ લીધા વગર પ્રચાર કરે.
દિગ્વિજય સિંહ કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ અને ધારાસભ્ય જીતુ પટવારીના ભોપાલ સ્થિત સરકારી આવાસ પર મળવા પહોંચ્યા હતા. જ્યાં એમણે જણાવ્યું કે, જેને પણ ટિકિટ મળે, ભલે દુશ્મનને મળે, એને જિતાડો. એમણે આગળ જણાવ્યું કે, મારુ ફક્ત એક જ કામ છે. કોઈ પ્રચાર નહિ, કોઈ ભાષણ નહિ. મારા ભાષણ આપવાથી કોંગ્રેસના વોટ કપાય છે, એટલે હું ક્યાંય જતો નથી.
હાલ, દિગ્વિજય સિંહ પાર્ટીના પ્રચાર અભિયાનથી દૂર છે. રાહુલ ગાંધી મધ્ય પ્રદેશમાં સતત રેલીઓ અને રોડ શો કરી રહ્યા છે. પરંતુ એમની સાથે દિગ્વિજય સિંહ નજરે ચડતા નથી. જોકે, ગોવામાં નિષ્ફળતા બાદ રાહુલે દિગ્વિજયને પ્રભારી પદ પરથી હટાવી દીધા હતા.