નવી દિલ્હી,
ઈલેક્શન કમિશન દ્વારા ચાલુ વર્ષના અંતે પાંચ રાજ્યોમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણીની તારીખોનું એલાન કરવામાં આવ્યું છે.
ચૂંટણીપંચ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, મિઝોરમ તેમજ તેલંગાણામાં યોજાનારી ચૂંટણીની તારીખોના એલાન થવાની સાથે જ આચારસંહિતા લાગુ કરી દેવામાં આવી છે.
ચૂંટણીપંચ દ્વારા જણાવ્યા મુજબ,
મધ્યપ્રદેશ અને મિઝોરમમાં ૨૮ નવેમ્બરના રોજ મતદાન યોજવામાં આવશે.
રાજસ્થાન અને તેલંગાણામાં ૭ ડિસેમ્બરના રોજ મતદાન યોજાશે.
જો કે છત્તીસગઢમાં બે તબક્કામાં ચૂંટણી યોજાશે. પ્રથમ તબક્કામાં રાજ્યના નક્સલ પ્રભાવિત એરિયાની કુલ ૧૮ બેઠકો પર ૧૨ નવેમ્બરના રોજ, જયારે બીજા તબક્કાનું મતદાન ૨૦ નવેમ્બરના રોજ મતદાન યોજાશે.
જયારે પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીની મતગણતરી એક સાથે ૧૧ ડિસેમ્બરના રોજ હાથ ધરવામાં આવશે.
આ ચાર રાજ્યોમાં ૧૫ ડિસેમ્બર સુધીમાં ચૂંટણીની તમામ પ્રક્રિયાઓને સમાપ્ત કરવા માટેનું એલાન કરાયું છે.
આ ઉપરાંત કર્ણાટકની ૩ વિધાનસભા સીટો શિમોગા, બરેલી અને મંડ્યા વિધાનસભાની ચૂંટણી ૩ નવેમ્બરના રોજ યોજવા માટે જણાવવામાં આવ્યું છે.
પ્રેસ કોન્ફરન્સમાં કરાયેલા ફેરફાર મામલે કોંગ્રેસે સાધ્યું નિશાન
મહત્વનું છે કે, આ પહેલા શનિવાર બપોરે ૧૨.૩૦ વાગ્યે ચૂંટણીપંચ દ્વારા પ્રેસ કોન્ફરન્સ બોલાવવામાં આવી હતી, પરંતુ પીએમ મોદીની અજમેર ખાતેની રેલીના કારણે આ પત્રકાર પરિષદની સમય બદલીને ૩.૩૦ વાગ્યાનો કરવામાં આવ્યો હતો.
જો કે આ સમયમાં કરાયેલા ફેરફાર અંગે વિપક્ષી પાર્ટી કોંગ્રેસ દ્વારા નિશાન સાધવામાં આવ્યું હતું.
કોંગ્રેસના પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ જણાવ્યું હતું કે, “પાંચ રાજ્યોની ચૂંટણીની તારીખોના એલાન માટે શનિવાર બપોરે ૧૨.૩૦ વાગ્યે ચૂંટણીપંચ દ્વારા પ્રેસ કોન્ફરન્સ બોલાવવામાં આવી હતી, પરંતુ પીએમ મોદીની અજમેર ખાતે ૧ વાગ્યાની રેલીના કારણે આ પત્રકાર પરિષદની સમય બદલીને ૩.૩૦ વાગ્યાનો કરાયો હતો. તો શું આજ છે ચૂંટણીપંચની સ્વતંત્રતા ?”.
ભાજપ માટે પાંચ રાજ્યોની ચૂંટણી છે અગ્નિપરીક્ષા સમાન
૨૦૧૯માં યોજાનારી લોકસભા ચૂંટણી પહેલા ભાજપ માટે આ પાંચ રાજ્યોમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણી અગ્નિપરીક્ષા સમાન જોવા મળી રહી છે, કારણ કે, આ રાજ્યોની ચૂંટણીમાં જીત મેળવી સિહાસન પર બિરાજમાન થનારી પાર્ટી લોકસભા ચૂંટણીમાં પોતાનો પ્રતિભાવ દર્શાવી શકે છે.
આ પાંચ રાજ્યોની વાત કરવામાં આવે તો, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે અત્યારથી જ જોરદાર ટક્કર જોવા મળી રહી છે.
હાલમાં રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢ જેવા મોટા રાજ્યોમાં ભાજપની સરકાર છે, જયારે મિઝોરમમાં કોંગ્રસ સત્તા પર છે.