પટના,
ભાજપના વરિષ્ઠ નેતા અને છેલ્લા કેટલાક સમયથી વર્તમાન મોદી સરકારથી નારાજ ચાલી રહેલા યશવંત સિન્હાએ કેન્દ્રમાં વર્તમાન સત્તાધારી પાર્ટી ભારતીય જનતા પાર્ટીમાંથી પોતાનો છેડો ફાડ્યો છે. શનિવારે વિપક્ષી દળોના રાજકીય નેતાઓ સાથે મિટિંગ કર્યા બાદ તેઓએ આ નિર્ણય લીધો હતો.
છેલ્લા કેટલાક સમયથી ભાજપથી નારાજ ચાલી રહેલા વરિષ્ઠ નેતા યશવંત સિન્હાએ જણાવ્યું, “હું બીજેપી સાથે પોતાના તમામ સંબંધો આજે સમાપ્ત કરી રહ્યો છું. આજથી હું કોઈ પણ પ્રકારની પાર્ટી પોલિટિક્સમાંથી સંન્યાસ લઇ રહ્યો છું.
ભાજપમાંથી છુટા પડવાનું એલાન કરતા તેઓએ જણાવ્યું, “આજે લોકતંત્ર ખતરામાં છે. હું રાજનીતિમાંથી સંન્યાસ લઇ રહ્યો છું આજે પણ દિલ દેશ માટે ધડકે છે”.
આ પહેલા પૂર્વ નાણામંત્રી યશવંત સિન્હાના પુત્ર વર્તમાન કેન્દ્રની મોદી સરકારમાં મંત્રી છે. તેમજ આ પહેલા ભાજપના વરિષ્ટ નેતા યશવંત સિન્હા પીએમ મોદી દ્વારા લાગુ કરવામાં આવેલું નોટબંધી અને જીએસટી લાગુ કરવાના લઇ મોટો હુમલો બોલ્યો હતો.
મહત્વનું છે કે, યશવંત સિન્હા વર્ષ ૧૯૯૮માં પ્રથમવાર લોકસભા માટે ચુંટાઈ આવ્યા હતા અને તેઓ પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજયેપી સરકારમાં નાણામંત્રી રહી ચુક્યા છે. આ ઉપરાંત તેઓ પૂર્વ પ્રધાનમંત્રી ચંદ્રશેખરની ૧૯૯૦થી ૧૯૯૧ સુધી ચાલેલી સરકારમાં પણ નાણામંત્રી હતા.