દિલ્લી,
ભારત, રશિયા તેમજ કટ્ટર પાડોશી દેશ પાકિસ્તાન અને ચીનની સેનાઓ એકસાથે સૈન્ય અભ્યાસ કરતી જોવા મળશે. આ સૈન્ય અભ્યાસ અંગેની માહિતી ભારતના રક્ષા મંત્રાલય દ્વારા આપવામાં આવી છે.
ભારતના રક્ષા મંત્રાલય દ્વારા જણાવ્યા મુજબ, “રશિયાના ઉરાલ પર્વતીય ક્ષેત્રમાં શાંઘાઈ સહયોગ સંગઠન (SCO)ના માર્ગદર્શન અને રૂપરેખા હેઠળ સંગઠનના બધા દેશો આ સૈન્ય અભ્યાસમાં ભાગ લેશે. આ દેશોમાં SCOના સંગઠનના દેશો ભારત, પાકિસ્તાન, ચીન અને રશિયા આ સૈન્ય અભ્યાસમાં ઉપસ્થિત રહેશે.
રશિયાના ઉરાલ પર્વતીય ક્ષેત્રમાં આગામી સપ્ટેમ્બર મહિનામાં આ તમામ દેશોના સૈન્ય સાથે મળીને અભ્યાસ કરશે. આતંકવાદીઓની ગતિવિધિઓ પર અંકુશ મૂકવાના ઉદે્શથી યોજાનારા આ અભ્યાસમાં ચીન સહિત અન્ય દેશો પણ ભાગ લેશે.
મહત્વનું છે કે, ભારત સાથે બોર્ડર પાર આતંકવાદી પ્રવુત્તિના કારણે જોવા મળતી તંગદિલી તેમજ ડોકલામ મુદ્દે જોવા મળેલા ઘર્ષણ બાદ પાકિસ્તાન અને ચીન આ સૈન્ય અભ્યાસમાં ભાગ લઇ રહ્યા છે.
સૈન્ય અભ્યાસના આ કાર્યક્રમમાં ચીનના સહયોગને ખૂબ મહત્વ આપવામાં આવી રહ્યું છે. જયારે બીજી બાજુ દેશની આઝાદી પછીના 70થી વધુ વર્ષો બાદ આ પહેલો પ્રસંગ છે કે, જયારે ભારત અને પાકિસ્તાન સાથે મળીને અભ્યાસ કરશે.
ડોકલામ સીમા વિવાદ બાદ પરસ્પર તણાવ અને રોષની સ્થિતિને હળવી કરવા માટે ભારત અને ચીને પણ અનેક રીતે પ્રયાસો કર્યા હતા. તાજેતરમાં જ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ચીન યાત્રા દરમિયાન આ માટે માર્ગ ખુલ્લો થયો હતો.
ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથેની મોદીની બિન ઔપચારિક શિખર મંત્રણા દરમિયાન બન્ને નેતાઓએ બન્ને દેશની સેના વચ્ચે પરસ્પર સંચાર, સંવાદ અને આદાન પ્રદાન મજબૂત કરવાનાં પગલા લેવા માટે સહમતિ દર્શાવી હતી.
રક્ષા મંત્ર્યાલયના અધિકારીઓના જણાવ્યા અનુસાર, ‘”શાંતિ મિશન તરીકે યોજાનારા આ સૈન્ય અભ્યાસનો મુખ્ય હેતુ, એસસીઓના આઠ સભ્ય દેશો આતંકવાદને ખતમ કરવા એક સાથે સહયોગ અને સંવાદનો સેતુ ઊભો કરે. ભારતના સંરક્ષણપ્રધાન નિર્મલા સીતારમણે આ અભ્યાસ માટે સંમતિ આપી હતી. તેઓએ એસસીઓના સભ્ય દેશોના સંરક્ષણપ્રધાનોની બેઠકમાં ભાગ લીધો હતો.