નવી દિલ્હી,
વર્ષ ૨૦૧૪માં વડાપ્રધાન બન્યા બાદ પીએમ નરેન્દ્ર મોદી અત્યારસુધીમાં કુલ ૪૧ દેશોની મુલાકાતે જઈ ચુક્યા છે. આ વિદેશ યાત્રાઓ દરમિયાન થયેલા કરોડો રૂપિયાના ખર્ચના કારણે હંમેશા તેઓ વિપક્ષી પાર્ટીઓના નિશાન પર રહ્યા છે, ત્યારે હવે એક RTI (રાઈટ ટુ ઇન્ફર્મેશન)માં આ વિદેશ યાત્રાઓ અંગે એક ખુલાસો થયો છે જેનાથી વિપક્ષી પાર્ટીઓને હવે વધુ એક હથિયાર મળી ગયું છે.
RTIમાં આ વિદેશ યાત્રાઓને અંગે થયેલા ખુલાસા મુજબ, પીએમ મોદી ૪૮ મહિનાના પોતાના કાર્યકાળ દરમિયાન અત્યારસુધીમાં ૫૦ દેશોની ૪૧ વિદેશ યાત્રાઓ કરી છે, જેમાં ૩૫૫ કરોડ રૂપિયાનો ખર્ચ થયો છે.
પીએમ મોદીની વિદેશ યાત્રાઓ અંગે બેંગલુરુના આરટીઆઈ એક્ટિવિસ્ટ ભીમપ્પા ગદાદે એક RTI દ્વારા જવાબ માંગવામાં આવ્યો હતો, જેમાં આ માહિતી આપવામાં આવી છે. RTIમાં મળેલી માહિતી મુજબ, છેલ્લા ૪૮ મહિનામાં પીએમ મોદી ૧૬૫ દિવસ બહાર રહ્યા છે.
કેનેડાની વિદેશ યાત્રા સૌથી મોંઘી
RTIમાં થયેલા ખુલાસા મુજબ, આ તમામ વિદેશ યાત્રાઓમાં પીએમ મોદીની એપ્રિલ, ૨૦૧૫માં કરેલી યુરોપ અને કેનેડાની યાત્રા સૌથી મોંઘી છે. આ વિદેશ યાત્રામાં તેઓ ફ્રાંસ, જર્મની અને કેનેડાની મુલાકાતે ગયા હતા અને આ દરમિયાન ૩૧ કરોડ રૂપિયા ખર્ચ થયા હતા.
જયારે સૌથી સસ્તી વિદેશ યાત્રા ભૂટાનની રહી છે, જેમાં ૨,૪૫,૨૭,૪૬૫ રૂપિયા જેટલો ખર્ચ થયો હતો.
૭ વિદેશ યાત્રાઓનું બિલ હજી બાકી
પ્રધાનમંત્રી ઓફિસની વેબસાઈટ PMO દ્વારા જણાવ્યા અનુસાર, છેલ્લા ૪૮ મહિનાની ૪૧ વિદેશ યાત્રાઓની અંગેની માહિતી છે, પરંતુ આ દરમિયાન ૭ ફેબ્રુઆરીથી જૂન સુધીની ૭ વિદેશ યાત્રાઓનું બિલ હજી સુધી મળ્યું નથી.