નવી દિલ્હી,
છેલ્લા કેટલાક વર્ષોથી દુનિયાભરમાં વધી રહેલા પ્રદૂષણના કારણે સમગ્ર વિશ્વ ગ્લોબલ વોર્મિગની સૌથી મોટી સમસ્યાથી ચિંતિત છે, ત્યારે હવે જળવાયું પરિવર્તન પર સામે આવેલા એક રિપોર્ટમાં ભારત માટે ખતરાની ઘંટી સામે આવી છે.
ભારત માટે સામે આવી ખતરાની ઘંટી
ક્લાઈમેટ ચેન્જ પર ઇન્ટર ગવર્નમેન્ટલ પેનલ (IPCC) દ્વારા સોમવારે જાહેર કરાયેલા રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, જયારે દુનિયાનું તાપમાન ૨ ડિગ્રી સેલ્સિયસ વધે છે, ત્યારે ભારતને ૨૦૧૫ની જેમ જ જીવલેણ ગરમ હવાઓનો સામનો કરવો પડી શકે છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ૨૦૧૫માં આવેલી ગરમ હવાઓના કારણે ૨૫૦૦ લોકો માર્યા ગયા હતા.
છેલ્લા ૧૪૭ વર્ષમાં વધ્યું ૧ ડિગ્રી જેટલું તાપમાન
જયારે બીજી બાજુ UK સ્થિત ક્લાઈમેટ સાઈન્સ વેબસાઈટ CarbonBrief દ્વારા કરાયેલી એક સ્ટડી મુજબ, “ભારતના ચાર મેટ્રો સિટી રાજધાની દિલ્હી, મુંબઈ, ચેન્નઈ અને કોલક્ત્તાનું એવરેજ તાપમાન છેલ્લા ૧૪૭ વર્ષ દરમિયાન એક ડિગ્રી જેટલું વધી ગયું છે.
દુનિયાભરમાં તાપમાનમાં થઇ રહેલા વધારાને લઈ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, એવરેજ ગ્લોબલ તાપમાન ૨૦૩૦ સુધી ૧.૫ ડિગ્રીના સ્તર સુધી પહોંચી શકે છે. આ ઉપરાંત જો આ તાપમાન આટલી જ વૃદ્ધિ સાથે વધવાનું ચાલુ રહેશે તો, ૨૦૩૦ થી ૨૦૫૨ વચ્ચે ૧.૫ ડિગ્રી સુધીનો વધારો પણ થઇ શકે છે.
કોલક્ત્તા માટે છે સૌથી મોટો ખતરો
IPCCના રિપોર્ટ મુજબ, ભારતીય ઉપ-મહાદ્વીપમાં કોલક્ત્તા અને પાકિસ્તાનના કરાચીમાં ગરમ હવાનો સૌથી વધુ ખતરો છે. કોલક્ત્તા અને કરાચીમાં વાર્ષિક પરિસ્થિતિ ૨૦૧૫ની જેમ જ ગરમ હવાઓ ફુકાઇ શકે છે અને આ માટે ગ્લોબલ વોર્મિંગની જ સૌથી મોટી ભૂમિકા છે.
વધી શકે છે ગરીબી
IPCCના રિપોર્ટ મુજબ, ગ્લોબલ વોર્મિંગના કારણે ગરીબીમાં વધારો થવાની સંભાવના છે. આ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, “ગ્લોબલ વોર્મિંગને ૨ ડિગ્રી સેલ્સિયસની જગ્યાએ ૧.૫ ડિગ્રી સુધી રોક્યા બાદ વર્ષ ૨૦૫૦ સુધી કરોડો લોકો ક્લાઈમેટ ચેન્જ સાથે જોડાયેલા ખતરાઓ અને ગરીબીથી બચી જશે.
ભારત છે સૌથી મોટો કાર્બનનું ઉત્સર્જન કરતો દેશ
મહત્વનું છે કે, ભારત દુનિયાભરના ટોચના દેશોમાં શામેલ છે, જેઓ સૌથી વધુ કાર્બનનું ઉત્સર્જન કરે છે. ગત નાણાકીય વર્ષની વાત કરવામાં આવે તો, ભારતના થર્મલ પાવર સેકટરમાં ૯૨૯ મિલિયન ટન કાર્બનનું ઉત્સર્જન કરાયું હતું.