મેરઠ,
ઉત્તરપ્રદેશના મેરઠમાં મવાનાની ૧૯ વર્ષીય પ્રિયા સિંઘ નામની ખેલાડીએ ૨૨ જૂનથી શરુ થવા જઈ રહેલા ISSF જુનિયર વર્લ્ડકપમાં ભારતનો પરચમ લહેરાવવા માટે તૈયારી દર્શાવી હતી, પરંતુ ત્યારબાદ એક મજૂરની છોકરી પાસે ખર્ચના નાણા ન હોવાથી ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને આર્થિક મદદ માટે પાત્રો લખ્યા હતા.
પરંતુ હવે સરકારી કચેરીઓના અનેક ચક્કર લગાવ્યા બાદ પ્રિયા સિંઘનું આ સપનું સાકાર થવા જઈ રહ્યું છે. યુપીના CM યોગી આદિત્યનાથ દ્વારા આ ખેલાડીને ૫૦ મીટર રાયફલ કેટેગરીમાં ભારતનું પ્રતિનિધિત્વ કરવા માટે યાત્રાનો તમામ ખર્ચ ઉઠાવવા માટે આશ્વાશન આપવામાં આવ્યું છે.
મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ આ અંગે જણાવતા કહ્યું, “જયારે મને આ વાત અંગે જાણ થઇ હતી ત્યારે હું એ ૪.૫ લાખ રૂપિયા રાજ્ય સરકાર તરફથી જાહેર કર્યા છે. મેરઠ જિલ્લા મેજિસ્ટ્રેટને પણ આ ખેલાડીની યાત્રાની તૈયારી કરવા માટે જણાવવામાં આવ્યું છે”.
આ પહેલા પ્રિયાના પિતા બૃજપાલ સિંહે જણાવ્યું હતું કે, “તેઓએ ધારાસભ્યો, મુખ્યમંત્રી, રમતગમત મંત્રી અને વડાપ્રધાન સુધી મદદ માટે વિનંતી કરી હતી પણ કોઈ જવાબ આપવામાં આવ્યો ન હતો.
તેઓએ વધુમાં કહ્યું, “તેઓએ પોતાની ભેંસ વેચી દીધી છે, મિત્રો પાસેથી ઉધાર નાણા લીધા છે અને જયારે સરકાર તેઓની મદદ કરી રહી નથી, તો પણ તેઓ પોતાની દીકરીને જર્મની જરૂરથી મોકલશે”.
મહત્વનું છે કે, જર્મનીના સુહલમાં ૨૨ જૂનથી જુનિયર વર્લ્ડ કપનું આયોજન થવા જઈ રહયું છે. આ વર્લ્ડકપમાં ભારતનું પ્રતિનિધિત્વ કરવા માટે મેરઠની પ્રિયા સિંઘની પસંદગી કરવામાં આવી છે, પરંતુ પોતાની આર્થિક પરિસ્થિતિ સદ્ધર ન હોવાના કારણે પ્રિયાએ ખેલો ઇન્ડિયાનો પાયો ઘડનાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ઉત્તરપ્રદેશના મુખ્યમન્ત્રી યોગી આદિત્યનાથને લેખિત પત્રવ્યવહાર દ્વારા જર્મની યાત્રા માટે આર્થિક સહાયની માંગ કરી હતી.