આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબા (એલઈટી)ની યોજનાને નિષ્ફળ બનાવવા માટે રાજ્યભરમાં જાહેર કરાયેલા રેડ એલર્ટ ને પગલે માહોલ આતંકવાદભર્યું બની ગયું છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા આપવામાં આવેલી સૂચના બાદ રાજ્ય સરકારે ઍરપોર્ટ પરની સુરક્ષાવ્યવસ્થામાં વધારો કરી તપાસ સઘન કરી નાખી છે, જેથી વિમાનોને હાઈજેક કરી પોતાના સાથીઓને છોડાવવાના લશ્કર-એ-તૈયબા ના કાવતરાને નિષ્ફળ બનાવી શકાય. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે લશ્કર-એ-તૈયબા વિમાનોનું અપહરણ કરી વર્લ્ડ ટ્રેડ સેન્ટર જેવી ઘટનાને અંજામ આપવા માગે છે. ઉચ્ચ સ્તરનાં સૂત્રોનું કહેવું છે કે લશ્કર-એ-તૈયબાના લગભગ ડઝન જેટલા આંતકીને આ ટાર્ગેટ સોંપવામાં આવ્યું છે. આ આતંકવાદીઓને શોધી કાઢવામાં આખી સુરક્ષા યંત્રણાને કામે લગાવવામાં આવી છે, કારણ કે આ કાવતરાની સૂચના અન્ય કોઈએ નહીં, પણ ખુદ ગૃહ મંત્રાલયે આપી હોવાથી રાજ્ય સરકારની ચિંતા વધી ગઈ છે.
રાજ્યમાં લશ્કર-એ-તૈયબાના અનેક આતંકીને ઠાર કરવામાં આવ્યા છે. કેટલાક મોટા નેતાને પકડવામાં પણ આવ્યા છે. પકડવામાં આવેલા મોટા ભાગના આતંકી પાકિસ્તાની નાગરિક છે અને તેમને છોડાવવા માટે લશ્કર-એ-તૈયબાએ આવા કાવતરાને અંજામ આપવાની તૈયારી કરી છે. એવામાં રાજ્ય સરકારના એક અધિકારી અનુસાર રાજ્યનાં બધાં ઍરપોર્ટની સાથોસાથ મહત્ત્વનાં સ્થળોની પણ સુરક્ષા વ્યવસ્થા વધારી દેવામાં આવી છે અને સ્વતંત્રતા દિનને ધ્યાનમાં રાખી રેડ એલર્ટ જાહેર કરવામાં આવી છે.
15 ઑગસ્ટને લઈ અગાઉથી જ રાજ્યમાં તંગદિલીભર્યું વાતાવરણ હતું અને હવે કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા આવી ચેતવણી આપવામાં આવ્યા બાદ રાજ્યના નાગરિકોમાં વિચિત્ર ભય નિર્મિત થઈ ગયો છે. છેલ્લા કેટલાક દિવસોથી વધી રહેલા આતંકી હુમલા અને ગતિવિધિઓને કારણે ડરમાં વધારો થયો છે. નોંધનીય છે કે છેલ્લા કેટલાક મહિનાઓમાં ત્રાસવાદી હુમલાઓમાં વધારો થવાની સાથે ધમકી અને ફરમાનોનો સિલસિલો પણ ખાસ્સો વધી ગયો છે. અને જ્યારે સ્વતંત્રતા દિવસ પર આતંકી હુમલાની ચેતવણી રાજ્યની સુરક્ષા એજન્સીઓ અગાઉથી જ આપી રહી હતી ત્યારે કેન્દ્રીય ગૃહ મંત્રાલયની ચેતવણીથી દહેશતનું વાતાવરણ નિર્મિત થઈ ગયું છે.