દેશભરમાં ચાલી રહેલ મીટુ કેમ્પેઈન (#MeToo) એક આંદોલનનુ રુપ લઈ ચુક્યુ છે. પોતાની સાથે થયેલ યૌન અત્યાચારને લઈને કેટલીક મહિલાઓ હવે ખુલીને સામે આવી રહી છે. જેમાં ઘણા મોટી સેલિબ્રિટી અને ક્રિકેટરો પર પણ ગંભીર આરોપ લાગ્યા છે.
આ સમગ્ર પ્રક્રિયામાં ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના સીઈઓ રાહુલ જોહરીનુ નામ સામે આવ્યા બાદ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ આરોપીઓ સામે નવો પ્રસ્તાવ લાવવા અંગે વિચાર કરી રહી છે. ક્રિકેટની આંતરરાષ્ટ્રીય સંસ્થા હવે યૌન અત્યાચારના આરોપી ખેલાડીઓ, ટીમ અધિકારીઓ, એમ્પાયર, પત્રકાર અને વેંડર્સ પર કોઈ ટૂર્નામેન્ટમાં ભાગ લેવા કે સ્ટેડિયમમાં પ્રવેશ સુધીનો પ્રતિબંધ મુકી શકે છે.
સુત્રોના જણાવ્યા મુજબ, આ અંગેનો ખાસ પ્રસ્તાવ રજુ કરવામાં આવી શકે છે. જો આ પ્રસ્તાવને સ્વીકારી લેવાશે તો આઈસીસી ખેલાડીઓ, અધિકારીઓ કે ટીમ સાથે સંકળાયેલ વેંડર્સને યૌન શોષણના આરોપ લાગ્યા બાદ આઈસીસી અથવા તેના દ્વારા આયોજિત કરાતી ટૂર્નામેન્ટમાં, સ્ટેડિયમમાં પ્રવેશ નહીં મળે.
આઈસીસીના એક સુત્રએ જણાવ્યુ કે, આ પ્રસ્તાવનો ઉદ્દેશ્ય મહિલાઓના અધિકારોની રક્ષા કરવી અને વર્કપ્લેસ પર યૌન શોષણની ઘટનાને રોકવાનો છે. આઈસીસીના સુત્રએ જણાવ્યુ કે, કાર્યસ્થળને યૌન શોષણથી મુક્ત જગ્યા બનાવવી આ પ્રસ્તાવનો એકમાત્ર ઉદ્દેશ્ય છે.