બેન્ગ્લુરું,
કર્ણાટક વિધાનસભાની સામાન્ય ચૂંટણી ચાર દિવસ પછી યોજાનાર છે ત્યારે હાથ ધરાયેલ સર્વે (ઓપિનિયન પોલ)માં લોકો કોંગ્રેસને સૌથી વધુ બેઠક આપતા હોવાનું જાણવા મળ્યું છે. જેની પાછળનું કારણ મુખ્યમંત્રી સિદ્ધરામૈયાની કામગીરીને માનવામાં આવે છે. એટલું જ નહિ, લોકોએ સૌથી વધુ ભ્રષ્ટ પાર્ટી હોવાનું સર્વેમાં જણાવ્યું છે.
કર્ણાટક વિધાનસભાની સામાન્ય ચૂંટણી આગામી તા. ૧૨ મે ના રોજ યોજાનાર છે ત્યારે કર્ણાટકમાં રાજકીય માહોલ ભારે રસાકસી ભર્યો બન્યો છે. આ ચૂંટણીમાં ભાજપ કે કોંગ્રેસ કોણ જીતશે તે અંગે હજુ કઈ સ્પષ્ટ થઇ શકતું નથી. આ સંજોગોમાં તાજેતરમાં હાથ ધરાયેલા સર્વે (ઓપિનિયન પોલ)માં લોકોએ આપેલા મંતવ્ય મુજબ કોંગ્રેસ સૌથી મોટા પક્ષ તરીકે ઉભરી આવે તેવી સંભાવના છે. આમ છતાં કર્ણાટકમાં ત્રિશંકુ વિધાનસભા રચાય તેવી શક્યતા જોવામાં આવી રહી છે. એટલું જ નહિ, દેવેગૌડાનો પક્ષ જનતાદળ-સેક્યુલર (જેડીએસ) સરકાર રચવામાં કિંગ મેકરની ભૂમિકા ભજવી શકે છે તેવું લાગી રહ્યું છે.
લોકનીતિ-સીએસડીએસના લેટેસ્ટ ઓપિનિયન પોલ મુજબ કોંગ્રેસને ૯૭ બેઠક, ભાજપને ૮૪ બેઠક અને જેડીએસને ૩૭ બેઠકો તેમજ અન્યને ચાર બેઠક મળે તેવી શક્યતાઓ દર્શાવવામાં આવી છે. આ પોલ મુજબ ભાજપને એટલી રાહત મળી શકે છે, મુખ્યમંત્રી સિદ્ધારામૈયાની કામગીરીનો માસ્ટર સ્ટ્રોક બેઅસર રહ્યો હોય આ પોલ ઉપરથી તેવું લાગે છે.
અન્ય એક સમાચાર ચેનલના સર્વે મુજબ ૩૮ ટકા મત સાથે કોંગ્રેસને ૯૨થી ૧૦૨ બેઠક, ૩૩ ટકા મત સાથે ભાજપને ૭૯ થી ૮૯ બેઠકો અને ૨૨ ટકા મતો સાથે જેડીએસને ૩૨થી ૩૪ બેઠક મળી શકે છે. જેના કારણે જેડીએસ કોઇપણ પક્ષની સરકાર રચવા માટે કિંગ મેકરની ભૂમિકા ભજવી શકે છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ૨૨૪ સાભ્યની બનેલી કર્ણાટક વિધાનસભામાં કોઇપણ પક્ષને સરકાર રચવા માટે ઓછામાં ઓછી ૧૧૩ બેઠકોની જરૂરિયાત રહેશે. આ જોતા કોંગ્રેસ અને જેડીએસ અથવા ભાજપ અને જેડીએસની સંયુક્ત સરકાર રચાઈ શકે છે. આમ જેડીએસ સરકાર રચવા માટે હુકમના એક્કા સમાન સાબિત થશે તેવી તમામ સર્વેની ગણતરી ઉપરથી માનવામાં આવે છે.
આ સર્વેમાં ૭૨ ટકા લોકોએ મુખ્યમંત્રી સિદ્ધારામૈયાની કામગીરીની પ્રશંસા કરી હતી, તો ૨૩ ટકા લોકોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ની કામગીરીને ‘ઘણી સારી’ અને ૪૫ ટકા લોકોએ ‘સારી’ ગણાવી હતી. આમ ૭૨ ટકા લોકો મુખ્યમંત્રીની કામગીરીથી સંતુષ્ટ છે જયારે ૬૮ ટકા લોકો પીએમ મોદીની કામગીરીથી સંતુષ્ટ હોવાનું જણાવ્યું હતું.
આ સર્વેમાં ૪૪ ટકા લોકોએ ભાજપને સૌથી ભ્રષ્ટ પક્ષ ગણાવ્યો હતો તો ૪૧ ટકા લોકોએ કોંગ્રેસને સૌથી ભ્રષ્ટ પક્ષ ગણાવ્યો હતો.