નવી દિલ્હી,
ઇમરાન ખાનની શપથવિધિ સમારોહમાં શામેલ થયેલા પંજાબ સરકારમાં મંત્રી અને પૂર્વ ક્રિકેટર નવજોતસિંહ સિદ્ધુના પાકિસ્તાનના આર્મી ચીફ કમર જાવેદ બાજવાના ગળે મળતા જોવા મળ્યા હતા, ત્યારબાદ હવે આ મામલે વિરોધોનો સામનો કરવો પડી રહ્યો છે, ત્યારે હવે સિદ્ધુના સમર્થનમાં પાકિસ્તાનના નવા પીએમ ઇમરાન ખાન સામે આવ્યા છે.
ઈમરાને ખાને સિદ્ધુને “શાંતિના દૂત” તરીકે જણાવતા તેઓનો વિરોધ કરનારા સામે નિશાન સાધ્યું છે. તેઓએ સિદ્ધુનો બચાવ કરતા જણાવ્યું, “સિદ્ધુના પાકિસ્તાન આવવા પર તેઓની ટીકા કરનારા લોકો શાંતિના પક્ષમાં નથી. ભારત અને પાકિસ્તાનને કાશ્મીરના મુદ્દે વાત કરવી જોઈએ. બીજી બાજુ ઇમરાન ખાને પાકિસ્તાન આવવા પર સિદ્ધુને ધન્યવાદ કહ્યું હતું”.
તેઓએ વધુમાં કહ્યું, “સિદ્ધુ શાંતિના દૂત છે. તેઓને પાકિસ્તાનની જનતા તરફથી અદભૂત પ્રેમ અને સ્નેહ મળ્યો છે. સિદ્ધુની ટીકા કરનારા લોકો શાંતિના પક્ષમાં નથી. શાંતિ વિના અમારા પોતાના લોકો આગળ વધી શકતા નથી.
ઇમરાન ખાને કાશ્મીરનો રાગ આલોપતા કહ્યું, “ભારત અને પાકિસ્તાનને વાતચીત માટે આવવું જોઈએ અને કાશ્મીર સહિતના તમામ મુદ્દાઓને ઉકેલવા જોઈએ. આ ક્ષેત્રમાં ગરીબીને ડામવા અને ઉન્નતિનો સૌથી સારો રસ્તો વાતચીત દ્વારા મતભેદોનો ઉકેલ અને વેપાર શરુ કરવાનો છે”.
આ પહેલા નવજોતસિંહ સિધ્ધુના પાકિસ્તાનના આર્મી ચીફને ગળે મળવા અંગે પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરદિર સિંહે પણ સવાલો ઉઠાવતા તેને ખોટું ગણાવ્યું હતું.
અમરદિર સિંહે વધુમાં કહ્યું, “દરરોજ અમારા જવાનો શહીદ થઇ રહ્યા છે. વ્યક્તિને સમજવું જોઈએ કે, અમારા જવાનો બોર્ડર પર શહીદ થઇ રહ્યા છે. મારા પોતાના રેજિમેન્ટે એક મેજર અને બે જવાનોને ગત મહિનામાં ખોયા અને દરરોજ કોઈ ને કોઈ જવાન ગોળીઓના શિકાર બની રહ્યા છે. આ મામલે દોષ કોનો છે ? જે ગોળીઓ ચલાવી રહ્યા છે તે કે સેના પ્રમુખનો, જે ઓર્ડર આપે છે અને સેના પ્રમુખ બાજવા છે”.
સિદ્ધુના ઇમરાન ખાનની શપથવિધિમાં શામેલ થવા અંગે પંજાબના CMએ કહ્યું, “જ્યાં સુધી સિદ્ધુના શપથવિધિમાં શામેલ થવાની વાત છે તો ત્યાં તેઓ વ્યક્તિગત રીતે ગયા હતા અને પંજાબ સરકારનો આ સાથે કોઈ તર્ક નથી”.
બીજી બાજુ ભાજપ દ્વારા આ મામલે સખ્ત વિરોધ કરવામાં આવી રહ્યો છે. હરિયાણા સરકારમાં મંત્રી અનિલ બીજે કહ્યું, “જયારે પૂરો દેશ શોક મનાવી રહ્યો હોય ત્યારે સિધ્ધુ ધૂમધામથી શપથવિધિ સમારોહમાં ભાગ લે છે. આ ઉપરાંત ભાજપના પ્રવક્તા સંબિત પાત્રાએ પણ નિશાન સાધતા કહ્યું હતું કે, “શું કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી નવજોત સિધ્ધુને સસ્પેન્ડ કરશે ?”.