નવી દિલ્હી,
ભારત અને પાડોશી દેશ પાકિસ્તાન વચ્ચે પહેલેથી જ તનાવપૂર્ણ સંબંધો ચાલી રહ્યા છે, ત્યારે આ વચ્ચે વધુ એક મામલે બંને દેશો વચ્ચે વાંકયુદ્ધ વધી શકે છે.
સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર, પાકિસ્તાન હાઈકમિશન માંથી ૨૩ ભારતીયોના પાસપોર્ટ ગાયબ થવાના અહેવાલ પ્રાપ્ત થયા છે. આ તમામ પાસપોર્ટ એ શીખ યાત્રીઓના છે, જેઓ પાકિસ્તાન સ્થિત ગુરુદ્વારાઓમાં યાત્રા માટે જવાના હતા.
આ યાત્રામાં કરતારપુર સાહિબ પણ શામેલ છે, જેનો ગયા મહિને જ ભારત અને પાકિસ્તાનની બોર્ડર પર નિર્માણનો શિલાન્યાસ કરવામાં આવ્યો છે.
આ મામલો વિદેશ મંત્રાલય સામે આવ્યા બાદ ૨૩ યાત્રીઓમાંથી ઘણા લોકોએ પોલીસ સ્ટેશનમાં FIR દાખલ કરાવી છે. બીજી બાજુ વિદેશ મંત્રાલય હવે આ તમામ પાસપોર્ટ રદ્દ કરવાની તૈયારીમાં છે. સાથે સાથે આ મામલાને પાકિસ્તાન હાઈકમીશન સમક્ષ પ ઉઠાવવામાં આવશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાન દ્વારા ગુરુનાનકની ૫૪૯મી જયંતી નિમિત્તે ૨૧ થી ૩૦ નવેમ્બર વચ્ચે ૩૮૦૦ શીખ યાત્રીઓને વિઝા આપવામાં આવ્યા હતા.
જો કે આ પાસપોર્ટ ગુમ થવા મામલે પાકિસ્તાન દ્વારા પોતાના કોઈ અધિકારીની સંડોવણીને મામલે ઇન્કાર કરાયો છે.
આ તમામ પાસપોર્ટ રાજધાની દિલ્હી સ્થિત એક એજન્ટ દ્વારા લેવામાં આવ્યા હતા. આ એજન્ટે દાવો કર્યો છે કે, તેઓએ પાકિસ્તાનના હાઈકમીશનમાં આ દસ્તાવેજને જમા કરાવ્યા છે.