જયપુર,
ભાજપમાં સૌથી તાકાતવર ગણાતા પાર્ટી અધ્યક્ષ અમિત શાહે રાજસ્થાનના મુખ્યમંત્રી વસુંધરા રાજે સિંધીયાની જીદ આગળ નમવુ પડી રહ્યુ છે. સુત્રોનુ માનીએ તો ગત સપ્તાહે અમિત શાહે રાજસ્થાન માટે નવા પ્રદેશ અધ્યક્ષની નિમણૂંક કરી હતી. પરંતુ અમિત શાહે જે વ્યક્તિ નુ નામ પસંદ કર્યુ હતું તેની સાથે રાજસિંધે સહમત નહતા. જેથી આ નિમણૂંક હાલ અટવાઈ પડી છે. અમિત શાહ ભાજપના અધ્યક્ષ બન્યા બાદ પ્રથમ વખત એવુ બન્યુ છે કે તેમના નિર્ણયને માનવાનો કોઈએ ઈન્કાર કર્યો હોય.
રાજસ્થાનમાં ચાલુ વર્ષના અંતમાં ચુંટણી યોજાવાની છે. તે પહેલા જ વસુંધરા રાજેના સમર્થક ગણાતા અશોક પરમાણીને પ્રદેશ અધ્યક્ષ પદ પરથી હટાવી દેવાયા છે. ત્યારબાદ અમિત શાહે ગજેન્દ્રસિંહ શેખાવતને રાજ્યમાં પ્રદેશ અધ્યક્ષ બનાવવાનો નિર્ણય કર્યો હતો. પરંતુ વસુંધરા રાજેના વિરોધના કારણે હજી સુધી શેખાવતના નામની જાહેરાત થઈ શકી નથી. શેખાવત એક રાજપુત નેતા છે. જેમની સામે વસુંધરાનુ કહેવુ છે કે શેખાવતને અધ્યક્ષ બનાવવાથી જાટ મતદારો નારાજ થઈ જશે. વસુંધરા એક એવો ચહેરો ઇચ્છે છે કે જે જાતિગત ઓળખ ધરાવતો ન હોય.
માનવામાં આવી રહ્યુ છે કે વસુંધરાએ શ્રીચંદ કૃપલાનીનુ નામ અધ્યક્ષ પદ માટે રજુ કર્યુ છે. કૃપલાની સિંધી સમાજમાંથી આવે છે અને અત્યારે રાજસ્થાન સરકારમાં તે મંત્રી છે. પરંતુ અમિત શાહને નથી લાગતુ કે કૃપલાની વિધાનસભાની ચુંટણી પહેલા પાર્ટીને રાજ્યમાં મજબુતી અપાવી શકે. સુત્રોનુ કહેવુ છે કે વસુંધરા રાજે એવા નેતાને અધ્યક્ષ બનાવવા માંગે છે કે જે તેમને પૂછીને કામકાજ કરે નહીં કે હાઈકમાન્ડના ઈશારે કામ કરે.