નવી દિલ્હી,
દેશભરમાં છેલ્લા કેટલાક સમયથી મોદી સરકાર દ્વારા કરવામાં આવેલા ફાઈટર પ્લેન રાફેલની ડીલ અંગે વિવાદ સામે આવી રહ્યો છે, ત્યારે આ મામલે હવે વધુ એક વળાંક આવ્યો છે.
ફ્રાંસના મીડિયાએ આ ડીલ અંગે સવાલો ઉભા કર્યા છે, ત્યારે હવે એક NGO દ્વારા આ સમગ્ર વિવાદિત ડીલની ફરીથી તપાસ કરવાની માંગ કરી છે અને આ માટે એક ફરિયાદ પણ નોધાવામાં આવી છે.
ફ્રાંસના એન્ટી કરપ્શનમાં એક NGO દ્વારા ફરિયાદ કરાઈ છે, જેમાં જણાવવામાં આવ્યું છે કે, નાણાકીય કાર્યપાલક કાર્યાલયમાં ભારત અબને ફ્રાંસ વચ્ચે થયેલા રાફેલ ડીલમાં કથિત ભ્રષ્ટાચારની તપાસ માટે માંગ કરી છે.
ફ્રેંચ ન્યુઝપોર્ટલ મીડિયાપાર્ટના એક રિપોર્ટ અનુસાર, “શેરપા” નામના એક NGO દ્વારા ડીલને લઈ નવી રીતે તપાસ કરાવવા માંગ કરી છે. આ NGO ભ્રષ્ટાચાર અને મની લોન્ડરિંગ વિરુધ કામ કરે છે.
ડીલમાં અધિકારોના દુરુપયોગ અને ફાયદો પહોચાડવાનો લગાવાયો આરોપ
આ NGO દ્વારા રાફેલ ડીલને લઇ કરાયેલી આ ફરિયાદમાં પૂર્વ મંત્રી અને એન્ટી કરપ્શન વકીલની પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વિરુધ CBIમાં દાખલ અધિકારોના દુરુપયોગ અને ફાયદો પહોચાડવાનો આરોપ લગાવવામાં આવ્યો છે.
આ NGOનું કહેવું છે કે, તેઓએ આશા છે કે, દેશના નાણાકીય કાર્યપાલક ઓફિસ આ ડીલ સાથે જોડાયેલા ફેક્ટસની ગંભીરતાથી તપાસ કરશે. સાથે સાથે તેઓ ભ્રષ્ટાચાર અને મની લોન્ડરિંગ અંગે પણ તપાસ કરશે.
રિલાયન્સને અપાયેલા કોન્ટ્રાક્ટની થવી જોઈએ તપાસ
આ ઉપરાંત શેરપા નામના NGO દ્વારા ફ્રાંસની કંપની દસોલ્ટ સાથે ભારતની પ્રાઇવેટ સેક્ટરની કંપની રિલાયન્સ ડિફેન્સને આપવામાં આવેલા કોન્ટ્રાક્ટ અંગેની તપાસ કરવા માટે માંગ કરી છે.
આ NGO દ્વારા આરોપ લગાવવામાં આવ્યો છે કે, રિલાયન્સ પાસે ફાઈટર જેટ બનાવવાનો કોઈ અનુભવ નથી એ કરાર ફાઈનલ થયાના માત્ર ૧૨ દિવસ પહેલા જ આ કંપનીને રજીસ્ટર કરાઈ હતી.
ફ્રાંસનું મીડિયા પણ ઉઠાવી ચુક્યું છે સવાલો
ફ્રાંસના મીડિયા દ્વારા ભારતમાં ચાલી રહેલા રાફેલ ડીલની તુલના ૧૯૮૦ના દાયકાના બોફોર્સ ગોટાળા સાથે કરતા સવાલો ઉભા કર્યા છે. ફ્રાંસના પ્રમુખ અખબાર “ફ્રાંસ ૨૪” દ્વારા કહેવામાં આવ્યું, “અંતમાં કેવી રીતે ૨૦૦૭માં શરુ થયેલી ડીલથી ૨૦૧૫માં હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ (HAL)ની બહાર કરતા તેની જગ્યાએ પ્રાઈવેટ સેક્ટરની કંપની રિલાયન્સ ડિફેન્સને શામેલ કરવામાં આવી ?”.
“ફ્રાંસ ૨૪”ના જણાવ્યા મુજબ, આ ડીલનો મહત્વનો ફેરફાર સામે આવ્યો ત્યારે તમામ ચોંકી ઉઠયા હતા. આ ટ્વિસ્ટ હતું ભારત સરકાર હસ્તકની કંપની HALનું બહાર થવું અને ઉદ્યોગપતિ અનિલ અંબાણીના વડપણ હેઠળની કંપની રિલાયન્સ ડિફેન્સની એન્ટ્રી થવી.
હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ (HAL)ની વાત કરવામાં આવે તો આ કંપની પાસે ૭૮ વર્ષનો રક્ષા ક્ષેત્રે હથિયારો બનાવવાનો અનુભવ છે અને તે આ ક્લોજમાં માત્ર એક જ કંપની હતી જેના પક્ષમાં નિર્ણય કરવામાં આવવાનો હતો. પરંતુ દસોલ્ટ દ્વારા HAL સાથે કોન્ટ્રાક્ટ તોડતા અનિલ અંબાણીના રિલાયન્સ ગ્રુપની કંપની સાથે કરાર કરવામાં આવ્યો.